Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

જંત્રી દરોને લઇને હોબાળો

જંત્રી દરો નહીં સુધારી સરકારે જંગી આવક ગુમાવી

અમદાવાદ, તા.૫ : ગુજરાત સરકાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી એટલે કે, સને ૨૦૧૧ પછી જમીનોના જંત્રી મૂલ્યમાં કોઇ સુધારો -વધારો કે ફેરફાર કરાયો નથી, તેના કારણે એકબાજુ, જેન્યુઇન ખેડૂતોની હાલત કફોડી બની છે તો બીજીબાજુ, ખુદ સરકાર અને જાહેરતિજોરીને અબજો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. જંત્રીના ભાવમાં ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે.

જંત્રી દરો નહી સુધારી સરકારે રૂ.૪૦ હજાર કરોડની આવક ગુમાવી

        ખેડૂતોની રજૂઆતમાં એ બાબતે ખાસ ધ્યાન દોરાયું કે, સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીમાંથી ગુજરાત રાજયની આવક અંદાજે રૂ.૮૩૮૦.૧૪ કરોડ વાર્ષિક નાણાંકીય અંદાજપત્રમાં અંદાજવામાં આવી છે. સને ૨૦૧૬-૧૭માં સરકારે સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીમાંથી રૂ.૫૭૮૨.૯૦ કરોડની આવક પ્રાપ્ત કરી છે, જયારે વર્ષ ૨૦૧૭-૧૮ની સુધારેલી અંદાજિત આવક રૂ.૭૧૦૦ કરોડ હતી, જો વર્ષ ૨૦૧૫માં જંત્રી મૂલ્યમાં સુધારો કરવામાં આવ્યો હોત તો, સરકારી તિજોરીને ચોક્કસપણે માત્ર છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી મારફતે ઓછામાં ઓછી રૂ.૪૦ હજાર કરોડથી વધુની રકમ વધારાની મળી હોત. આ સંજોગોમાં જહાંગીરાબાદની ઉપરોકત ૨૫૨૯ ક્ષેત્રફળ ધરાવતી જમીનનું વિકાસ યોજના-૨૦૩૫ હેતુ માટે કરેલ સંપાદન તાત્કાલિક રદ કરવા અને તેઓની સંબંધિત જમીનો માટે સુરત શહેર, જિલ્લો અને સુડા વિસ્તારમાં જંત્રી મૂલ્ય, એએસઆરના અપગ્રેડ, સુધારણા, ફેરફાર કરવા યોગ્ય હુકમ કરવા સરકાર સહિતના સત્તાધીશોને ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.

બ્લેક માર્કેટીંગને નિયંત્રિત કરવા જંત્રીમૂલ્યમાં ફેરફાર જરૂરી

        ખેડૂતોએ એવી પણ રજૂઆત કરી કે, જમીનોમાં જંત્રી મૂલ્યમાં વધારો, સુધારો કે ફેરફાર નહી કરવાને પરિણામે અર્થતંત્ર પર સમાંતરે પ્રતિકૂળ અસરો પડે છે, જેના કારણે બ્લેક માર્કેટને પ્રોત્સાહન મળે છે. આ સંજોગોમાં તર્કસંગત અને વાસ્તવિક બજાર કિંમતને જંત્રીમૂલ્યમાં મૂકીને કાળાબજારની પ્રવૃત્તિને અટકાવવી એ સરકારની બંધારણીય ફરજ પણ છે. હકીકતમાં સરકારી તિજોરી-રાજય સરકારને જૂની વણસુધારેલ પાછલા વર્ષની સને ૨૦૧૧ મુજબની જંત્રી મૂલ્ય-એએસઆરને કારણે મહેસૂલ-સ્ટેમ્પ ડયુટીની અબજો રૂપિયાની આવકમાં મોટાપાયે નુકસાન પહોંચી રહ્યું છે. સને ૨૦૧૧થી જમીનોના પ્રવર્તમાન બજાર મૂલ્યમાં ૪૦૦ ટકાથી ૧૨૦૦ ટકાનો નોંધપાત્ર વધારો થવા પામ્યો છે, જે નક્કર વાસ્તવિકતા છે., તેને સરકારે ધ્યાને લેવી રહી.

જંત્રીના ભાવો નહી વધતાં કાળાબજારિયાઓને ફાયદો

        જમીનોની જંત્રીમૂલ્ય ઓછી હોવાના કારણે અનૈતિક નાગરિકો, જાહેરસેવકો, રાજકારણીઓ વગેરે દ્વારા કાળા નાણાંનું જમીનોમાં રોકાણ કરવામાં આવે છે. નીચા જંત્રીના દરો કાળા બજારિયાઓ, દાણચોરો અને કરચોરી કરતા આ પ્રકારના વ્યકિતઓના લાભમાં છે, જેઓ ગેરકાયદેસર માધ્યમ કે સ્ત્રોતથી તેમના  કાળના નાણાં જમીનમાં રોકાણ કરી સુરક્ષિત કરી  લે છે. હકીકતમાં રાજય સરાકરની ફરજ છે કે, યોગ્ય સર્વેક્ષણ કર્યા પછી રાજયના જુદા જુદા શહેરો-વિસ્તારોમાં સર્વે અને અહેવાલ મેળવ્યા પછી જંત્રી મૂલ્યમાં નિયમિતપણે અથવા ઓછામાં ઓછા વર્ષે દર વર્ષે સુધારો કરવામાં આવે.

આઇટી અને કેપીટલ ગેઇન ટેકસમાં પણ નુકસાન

        જંત્રીના મૂલ્યમાં અપગ્રેડ નહી થવાના કારણે આવકવેરા કાયદાની જોગવાઇ હેઠળ લાગુ આવકવેરો અને કેપીટલ ગેઇન ટેક્સની ગણતરી પર પ્રતિકૂળ અસરો પડે છે. આવકવેરા અધિનિયમની કલમ-૫૫(સી) હેઠળ જંત્રીના મૂલ્યને જમીનની બજાર કિંમતનો આધાર માનવામાં આવે છે. જો કોઇપણ ખેડૂત રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજમાં જમીનના વાસ્તવિક બજારભાવ દર્શાવવાનું કહે તો, ખરીદનાર ખેડૂતને સમજાવશે કે તેણે આવકવેરા કાયદાની જોગવાઇ હેઠળ કેપીટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. કોઇપણ સંજોગોમાં જો ખરીદનાર રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજમાં જમીનની બતાવેલી વાસ્તવિક કિંમત સાથે જમીન ખરીદવા માટે તૈયાર હોય તો ગામના અધિકારીઓ, સરપંચ, અન્ય વ્યકિતઓ અને સુમુદાય ખેડૂતને આવું કરતાં રોકશે.

(9:54 pm IST)