Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

ખેડૂતો દ્વારા જંત્રીના ભાવોમાં સુધાર-ફેરફાર કરવાની માંગ

સુરતના ખેડૂતો દ્વારા ટોપ સ્તરે રજૂઆત કરાઈ : છેલ્લા આઠ વર્ષથી જંત્રીમૂલ્યમાં કોઇ ફેરફાર કરાયો નથી, જમીનના ભાવોમાં ૪૦૦થી ૧૨૦૦ ટકાનો જંગી વધારો

અમદાવાદ, તા.૫ : ગુજરાત સરકાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી એટલે કે, સને ૨૦૧૧ પછી જમીનોના જંત્રી મૂલ્યમાં કોઇ સુધારો -વધારો કે ફેરફાર કરાયો નથી, તેના કારણે એકબાજુ, જેન્યુઇન ખેડૂતોની હાલત કફોડી બની છે તો બીજીબાજુ, ખુદ સરકાર અને જાહેરતિજોરીને અબજો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. જંત્રીના ભાવોમાં કોઇ ફેરફાર નહી થવાના કારણે કાળાબજારિયા, દાણચોરો અને રાજકારણી સહિતના પૈસાપાત્ર લોકો તેમના કાળા નાણાં સિફતતાપૂર્વક જમીનોમાં રોકાણ કરી તગડી કમાણી રળી રહ્યા છે ત્યારે સુરતના બામરોલી, અલથાણ, સિંગણપોર, અડાજણ સહિતના વિવિધ ગામોના ખેડૂતો દ્વારા જમીન અધિગ્રહણ, સુધારણા અને પુનઃસમાધાન એકટ-૨૦૧૩ની કલમ-૨૬(૩)ની જોગવાઇને ગુજરાત ટાઉન  પ્લાનીંગ એકટ-૧૯૭૬ની કલમ-૨૦ સાથે વાંચતાં સને ૨૦૧૧થી સુરત શહેર, જિલ્લા અને સુડા વિસ્તારમાં આવેલ જમીનોના જંત્રી મૂલ્ય (દરોનું વાર્ષિકપત્ર) સુધારો કરવામાં આવ્યો નહી હોઇ તેમાં તાત્કાલિક ધોરણે યોગ્ય અને વાજબી સુધારો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજય સરકાર, સુરત જિલ્લા કલેકટર, સુડા, સુરત મનપા સહિતના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ બહુ જ મહત્વની, તર્કસંગત, આધાર-પુરાવા અને ટેકનીકલ દલીલો સાથેની અસરકારક રજૂઆત કરવામાં આવી છે.

              ખેડૂતોએ તેમની જમીનોની વિગતો પણ રજૂઆતમાં ટાંકી છે. સુરતના અનેક ગામોના ખેડૂતો ચંપકભાઇ જગુભાઇ, કિરીટભાઇ પટેલ, શહેનાઝબેન કિલાવાલા, ભારતીબહેન પટેલ તથા અન્યો દ્વારા હાઇકોર્ટના સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદી મારફતે સરકારના સત્તાધીશોને કરાયેલી તેમની રજૂઆતમાં જણાવાયું છે કે, સુરતના ચોર્યાસી તાલુકાના જહાંગીરાબાદ બ્લોક નં-૨૦૯ ધરાવતી કુલ ક્ષેત્રફળ ૨,૫૨૯ ચો.મી ધરાવતી જમીન  સુડાની અંતિમ સુધારેલી વિકાસ યોજના-૨૦૦૪ હેઠળ એસએમસી(એચ-૮) હેતુ માટે સાઇટ એન્ડ સર્વિસ સ્કીમ હેઠળ અનામત રખાઇ હતી. વિકાસ યોજના-૨૦૩૫માં આ જમીન એસએમસી માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ હેતુ માટે અનામત રખાઇ છે. પરંતુ આ અંતિમ સુધારેલી વિકાસ યોજના-૨૦૦૪ને દસ વર્ષ ઉપરાંતનો સમય વીતીગયો હોઇ અને આ જમીન કોઇપણ કાયદાની જોગવાઇ હેઠળ સંપાદન કરાઇ નહી હોઇ સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા મુજબ,

              આ સંપાદન-સ્થિતિ આપોઆપ રદબાતલ થઇ જાય છે. વધુમાં, આ જમીન ડ્રાફ્ટ ટીપી સ્કમ હેઠળ સમાવિષ્ટ હોવાછતાં સરકારની ૫૦-૫૦ નીતિનો લાભ જમીનને લાગુ કરવામાં આવ્યો નથી. વિકાસ યોજના-૨૦૩૫ હેઠળ આ જમીન મનોરંજનના ઉપયોગના હેતુ માટે અનામત છે. રાજય સરકાર દ્વારા તા.૧-૪-૨૦૧૧થી જંત્રી મૂલ્ય નક્કી કરાયા હતા. પરંતુ સરકારે સને ૨૦૧૧થી જમીનના ભાવોનું વાર્ષિક પત્રક-જંત્રી મૂલ્ય, સર્કલ વેલ્યુમાં સુધારો કરાયો નથી. જેની સામે નોંધનીય વાત એ છે કે, ૨૦૧૧ પછી સુરત શહેરના ઘણા વિસ્તારોમાં જમીનોનું બજારમૂલ્ય ત્રણથી ચાર વખત વધ્યું છે. જેમાં સુરતના અભવા, અડાજણ, અલથાણ, અંજણા, અઠવા, બામરોલી, ભટાર, ભીમરાડ, ડભોલી, ડિંડોલી, ડુમ્મસ, ગાભેણી, જહાંગીરાબાદ, કતારગામ, ખાજોદ, કોસાદ, લિંબાયત, મજૂરા, વરાછા, નાના વરાછા, નાનપુરા, પાલ, પાંડેસરા, સિંગણપોર સહિતના ગામોની ૨૦૧૧ની જંત્રી મૂલ્યની અને વાસ્તવિક વર્તમાન બજારકિંમતમાં પ્રતિ ચો.મી દીઠ રૂ.દસ હજારથી લઇ સાડા સાત લાખ રૂપિયા કે તેથી પણ વધુ સુધીનો તફાવત જોવા મળી રહ્યો છે.

                સરકાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી જંત્રી મૂલ્યમાં સુધારો કે અપગ્રેડેશન કરવામાં આવ્યો નથી. તેના કારણે જયારે નવી શરતની જમીનમાંથી જૂની શરતની જમીનમાં તબદિલ કરવામાં આવે ત્યારે પ્રીમીયમની રકમ લેવાની સાથે સાથે સ્ટેમ્પ ડયુટીની રકમ તથા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ-રજિસ્ટર્ડ માલિકીફેર દસ્તાવેજની નોંધણી ફીની રકમની ગણતરી તે મુજબ થાય છે, જેથી જાહેર તિજોરીને પણ બહુ મોટુ નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે માંગણી એ છે કે, જમીનોના વાર્ષિક ભાવપત્રક-જંત્રી મૂલ્યમાં વધારો, સુધારણા, ફેરફાર હાલની પ્રવર્તમાન જમીનોની બજારકિંમતને ધ્યાનમાં રાખીને કરવાની તાકીદે જરૂર છે.

(9:53 pm IST)