Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

રાજ્યમાં રસાયણિક ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહેલ છે

જરૂર જણાશે તો વધુ ખાતરનો જથ્થો મેળવાશે : રસાયણિક ખાતરના જથ્થાને લઇ આવેલા તમામ આક્ષેપને આપેલો રદિયો : યુરિયા ખાતરનો પુરતો સ્ટોક : પૂનમચંદ પરમાર

અમદાવાદ,તા.૫ : કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું  છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે રવિ અને ઉનાળુ ઋતુ માટે ઓગષ્ટ માસમાં ભારત સરકાર પાસે ૧૧.૦૦ લાખ મેટ્રિક ટન યુરિયા, ૨.૫૦ લાખ મેટ્રિક ટન ડી.એ.પી., ૨.૩૬ લાખ મેટ્રિક ટન એન.પી.કે. અને ૬૦ હજાર મેટ્રિક ટન એમ.ઓ.પી ખાતરની જરૂરિયાતો મંજુર કરવામાં આવેલ છે. આ ઉપરાંત યુરીયા ખાતરનો ૫૦,૦૦૦ મે ટન વધારાનો જથ્થો બફર સ્ટોક તરીકે પણ ફાળવેલ છે. પુનમચંદ પરમારે ઉમેર્યુ કે, રાજ્યમાં ચાલુ રવિ ઋતુમાં ૩૫.૪૬ લાખ હેક્ટરમાં વાવેતર થયેલ છે. જે સરેરાશ વાવેતર વિસ્તાર કરતાં ૧૩% વધુ છે. જેમાં, ઘઉં પાકમાં સરેરાશ વાવેતર કરતાં ૨૯% વધુ વિસ્તારમાં વાવેતર થયેલ છે. રવિ ઋતુના પ્રથમ ત્રણ માસ ઓક્ટોબર-૧૯ થી ડિસેમ્બર-૧૯ માસ દરમિયાન રાજ્યને ૬.૦૨ લાખ મેટ્રિક ટન યુરિયા ઉપલબ્ધ થયેલ છે.

                જાન્યુઆરી- ૨૦૨૦ માં રાજ્યમાં ૨.૧૦ લાખ મેટ્રિક ટનની જરૂરિયાત સામે ભારત સરકાર દ્વારા ૨.૨૦ લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવવામાં આવેલ છે. જે પૈકી પ્રથમ ચાર દિવસમાં ૩૨ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો  રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પહોંચતો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે,હાલમાં, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને આણંદ જિલ્લાના કેટલાક ચોક્કસ સ્થળોએ યુરિયા ખાતર ઉપલબ્ધ ન હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયેલ છે. સદર જિલ્લાઓમાં યુરીયા ખાતરનો જથ્થો મહેસાણા, કાંકરીયા (અમદાવાદ), રણોલી (વડોદરા) અને આણંદ ખાતે રેલવે રેંક અને રોડ દ્વારા આગામી પાંચ દીવસમાં અંદાજીત ૧૦,૦૦૦ મેટ્રીક ટનનો જથ્થો  પૂરો  પાડવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવેલી છે. આમ, રાજ્યમાં પુરતાં પ્રમાણમાં તમામ જગ્યાએ રાસાયણિક ખાતર ઉપલબ્ધ કરવામાં આવનાર છે. ભારત સરકાર પાસે જરૂરીયાત જણાયે ૫૦,૦૦૦ મે ટનનાં  બફર સ્ટોકમાંથી પણ વધુ યુરિયા ખાતરની ફાળવણી કરાવવામાં આવશે.

(9:51 pm IST)