Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

રાજ્યભરની RTOમાં થશે ફેરફાર : RTO માં બનશે હાઇટેક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક : અરજદારને ટેસ્ટ બાદ જુદા-જુદા નિયમ બદલ અપાશે માર્ક : ડ્રાઇવિંગ ટેસ્ટ પરીક્ષા હશે 50 માર્કની

ગાંધીનગર : અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને હાઈટેક બનાવવામાં આવશે. આ નવા હાઈટેક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવા અંગેની ટેન્ડર સહિતની પ્રક્રિયા પણ વાહન વ્યવહાર વિભાગે શરૂ કરી દીધી છે, જેમાં નવા ટેસ્ટ ટ્રેકમાં ટ્રેક રૂટમાં જમીનમાં સેન્સર લગાવાશે.

જેની ઉપર ચાલકે કાર ચલાવવાની રહેશે એટલું જ નહીં, હવે ટેસ્ટ આપનાર દરેક અરજદારને ટેસ્ટ બાદ માર્કશીટ અપાશે, જેમાં જુદા-જુદા નિયમ બદલ જુદા જુદા માર્ક અપાશે. ડ્રાઈવિંગ ટેસ્ટ પરીક્ષા પ૦ માર્કની હશે, જેમાંથી ૪૦ માર્ક ફરજિયાત મેળવવાના રહેશે ત્યારબાદ જ તે અરજદારને પાકું ડ્રાઈવિંગ લાઇસન્સ મળશે.

અત્યારે મોટા ભાગની આરટીઓમાં સેન્સર ખરાબ થઇ ગયાં છે. ક્યારેક કેટલાક સંજોગોમાં ઇન્સ્પેક્ટરે મેન્યુઅલ ટેસ્ટ લેવો પડે છે. આ વર્ષના અંત પહેલાં જ રાજ્યની તમામ આરટીઓના ટેસ્ટ ટ્રેક નવા બની ગયા હશે. અમદાવાદ આરટીઓનો ટેસ્ટ ટ્રેક આગામી ચાર માસમાં કાર્યરત થઈ જાય તેવી શક્યતા છે. ટ્રેકની ચારે બાજુ અદ્યતન કેમેરા લગાવાશે.

ટ્રેક પર સ્ટોપલાઈન, ઝીબ્રા ક્રોસિંગ, ટ્રાફિક સિગ્નલ પણ બનાવાશે. નક્કી કરેલા સમયમાં જ ટેસ્ટ પૂરી કરવાની રહેશે. ડ્રાઈવરની ભૂલ સેન્સર નોંધશે, કમ્પ્યૂટરમાં દર્શાવાશે. ટ્રેકમાં સ્ટોપલાઈન, ઝીબ્રા ક્રોસિંગ, ટ્રાફિક સિગ્નલ ફોલો કરવા પડશે અને દિશાસૂચન બોર્ડ અનુસરવાં પડશે.

૧ કલાકમાં ૩૦ બાઈક અને રપ કારના ટેસ્ટ લઈ શકાશે. અરજદારે પ૦માંથી ૪૦ માર્ક મેળવવા ફરજિયાત રહેશે. ચાલકે ફોરવર્ડ અને રિવર્સ નિયમ અનુસરવા પડશે. ટ્રેકમાં સ્ટાર્ટ, ફોરવર્ડ, પાર્કિંગ, રિવર્સ પ્રક્રિયા અનુસરવાની રહેશે. ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક સંપૂર્ણ ઓટોમેટિક હશે. એક ભૂલથી ચાલક ફેલ ગણાશે. ટેસ્ટ ટ્રેકની ગતિવિધિઓને કંટ્રોલરૂમમાં રેકોર્ડ કરાશે.

(11:01 am IST)