Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

વડોદરામાં મોબાઈલની અનેક દુકાનોમાં ભારે તોડફોડ કરાઈ

બનાવના વિરોધમાં વેપારીઓએ બંધ પાળ્યો : ઘાતક હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ ભારે દહેશત ફેલાવી : તોડફોડ સીસીટીવી કેમેરામાં કેદ : ઉંડી ચકાસણી

 અમદાવાદ, તા. : વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર મરીમાતાના ખાંચામાં આવેલી મોબાઇલ એસેસરીઝની ચારથી પાંચ દુકાનોમાં મોડી રાત્રે આઠથી દસ જેટલા માથાભારે શખ્સો તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા. ઘાતક હથિયારો સાથે ધસી આવેલા માથાભારે શખ્સોએ મોડી રાત સુધી દુકાનો કેમ ચાલુ રાખો છો? તેવો સવાલ કરી ભારે આતંક મચાવ્યો હતો અને દુકાનોમાં જોરદાર તોડફોડ કરી આંતક મચાવ્યો હતો. જેને પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. મોડી રાત્રે બનેલી ઘટના સામે રોષે ભરાયેલા વેપારીઓએ આજે સ્વયંભૂ બજારો બંધ રાખી માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બીજીબાજુ, રાવપુરા પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ મેળવી માથાભારે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના રાજમહેલ રોડ ઉપર મરીમાતાના ખાંચામાં મોબાઇલ એસેસરીઝનું વેચાણનું મોટું માર્કેટ આવેલું છે.

              મોડી રાત્રે આઠથી દસ જેટલા માથાભારે શખ્સો હોકી, લાકડી જેવા મારક હથિયારો સાથે માર્કેટમાં ઘૂસી ગયા હતા અને ચારથી પાંચ દુકાનોમાં ધસી જઇ તોડફોડ કરી હતી. મોડી રાત્રે બનેલા બનાવને પગલે સવારે મરીમાતા ખાંચાના વેપારીઓ ભેગા થયા હતા. અને સ્વયંભૂ દુકાનો બંધ રાખી તોડફોડ કરનાર માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વેપારીઓ એકઠા થતાં રાવપુરા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. અને તોડફોડ કરાયેલી દુકાનોની તપાસ કરી વેપારીઓ પાસે તોડફોડ થવા પાછળનું કારણ જાણવા પ્રયાસ કર્યો હતો. જોકે, વેપારીઓએ પોલીસને જણાવ્યું કે, ઘાતક હથિયારો સાથે ધસી આવેલા માથાભારે હુમલાખોરોએ મોડી રાત સુધી દુકાનો ચાલુ કેમ રાખો છો તેવો સવાલ કરી તોડફોડ કરી હોવાનું જણાવ્યું હતું. મરીમાતા ખાંચામાં દુકાનોમાં તોડફોડ કરનાર માથાભારે ટોળકીને ઝડપી પાડવા માટે દુકાનોમાંથી મળેલા સીસીટીવી ફૂટેજ મેળવી આતંક મચાવનાર ટોળકીની શોધખોળ હાથ ધરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને વેપારીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. વડોદરામાં બનેલી ઘટનાને લઈ પોલીસ ટૂંકમાં તોફાની શખ્સોને પકડી લેશે.

(10:59 am IST)