Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

મા-બાપને સાચવવા સંતાનોની પવિત્ર ફરજ : હૃદયદ્રાવક દ્રશ્યો

વૃદ્ધાશ્રમ ઘટે તે ખૂબ જરૂરી છે તેવો અભિપ્રાય : કયુનેટ એન્ટરપ્રાઇઝ સંસ્થા દ્વારા વૃદ્ધ દાદા અને દાદીઓને અનાજ,કરિયાણું સહિતની સામગ્રીની કીટ વિતરણ કરાયું

અમદાવાદ,તા.૫ : શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવનસંધ્યા(વૃધ્ધાશ્રમ) ખાતે આજે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. વાત જાણે એમ હતી કે, કયુનેટ એન્ટરપ્રાઇઝ સંસ્થા દ્વારા વૃધ્ધ દાદા-દાદીઓને અનાજ, કરિયાણું સહિતની સામગ્રીની કીટ વિતરણ કરવામાં આવી હતી. સંસ્થાના ફાઉન્ડર દિપ્તીબહેન ધ્રુવ, ડો.વિશાલ સહિતના કર્મચારીઓ અને પ્રતિનિધિઓએ જયારે જીવનસંધ્યા(વૃધ્ધાશ્રમ)ના વડીલોને પગે લાગી આ ચીજવસ્તુઓનું વિતરણ કર્યું અને તેમની પાસે માથે હાથ મૂકાવી આશીર્વાદ મેળવ્યા ત્યારે એક તબક્કે આટલું સન્માન અને આદર જોઇ વૃધ્ધાશ્રમના વડીલો(દાદા-દાદીઓ)ની આંખોના ખૂણાં ભીના થઇ આવ્યા હતા, જે સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે જીવનસંધ્યા(વૃધ્ધાશ્રમ)ના મેનેજીંગ ટ્રસ્ટી સુકેતુભાઇ નાગરવાડિયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સંતાનો પોતાના જન્મદાતા માતા-પિતાને તરછોડી વૃધ્ધાશ્રમોમાં મૂકી જતા હોય છે પરંતુ સંતાનોએ એ વાત ભૂલવી જોઇએ નહી કે,  તેમનું જીવન આ માતા-પિતા થકી જ છે, તે હતા, તો તેમનું અસ્તિત્વ બન્યું. માતા-પિતાને સાચવવા અને તેમની સારસંભાળ રાખવી એ સંતાનોની સૌથી મોટી અને પવિત્ર ફરજ છે, તે તેમણે નિભાવવી જોઇએ. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં ૩૫ જેટલા વૃધ્ધાશ્રમો છે પરંતુ હું ઇચ્છું છું કે, આ વૃધ્ધાશ્રમોની સંખ્યા ઘટે અને તે ધીરેધીરે દૂર થાય. જીવનસંધ્યા(વૃધ્ધાશ્રમ)ના મેનેજીંગ ટ્રસ્ટી સુકેતુભાઇ નાગરવાડિયાનો કહેવાનો મતલબ એમ હતો કે, જો વૃધ્ધાશ્રમ જ ના હોય તો સંતાનો પછી માતા-પિતાને કયાં મૂકે. એટલે કે, તેમની સાથે રાખવા તૈયાર થાય. તેમની આ ઉમદા ભાવના જોઇ વૃધ્ધાશ્રમના વડીલોએ તાળીઓના ગડગડાટથી તેમની આ લાગણીને વધાવી લીધી હતી. દરમ્યાન ડાયરેકટ સેલીંગ કંપની કયુનેટ એન્ટરપ્રાઇઝના ફાઉન્ડર દિપ્તીબહેન ધ્રુવ, ડો. વિશાલ સહિતના પ્રતિનિધિઓએ ૨૦૧૯ના વર્ષની શરૂઆતમાં જ વૃધ્ધજનો માટે અનોખુ સેવાકાર્ય કરવાના ઉમદા આશયથી આજે દાળ, ચોખા, તેલ, ચા, ખાંડ, ગોળ સહિતનું અનાજ-કરિયાણું અને અન્ય સામગ્રી જીવનસંધ્યા(વૃધ્ધાશ્રમ)માં વડીલ દાદા-દાદીઓને અર્પણ કરી હતી. વાત એટલા પૂરતી ન હતી પરંતુ ફાંકડુ અંગ્રેજી બોલતા અને સારી એવી પર્સનાલિટી ધરાવતાં કયુનેટ એન્ટરપ્રાઇઝના પ્રતિનિધિઓ અને કર્મચારીઓએ આ વડીલ દાદા-દાદીઓને રીતસરના પગે પડી તેમના ચરણોને વંદન કરી માથે હાથ મૂકાવી આશીર્વાદ મેળવ્યા હતા. એટલું જ નહી, વડીલ દાદા-દાદીઓ માટે હેપ્પી બર્થ ડેનું ગીત ગાઇ તેમનું આદર-સન્માન પણ કર્યું હતું. ત્યારે પોતાની કૂખે જન્મ લેનાર સંતાનો દ્વારા તરછોડાયા પરંતુ બહારવાળા આટલો આદર, પ્રેમ અને ચરણવંદના કરી સન્માન કરે તે ભાવ અને પ્રેમ જોઇ વૃધ્ધાશ્રમના વડીલ દાદા-દાદીઓની આંખોમાં એક તબક્કે આંસુ આવી ગયા હતા. જે લાગણીસભર દ્રશ્યો જોઇ આ પ્રસંગે ઉપસ્થિત સૌકોઇની આંખો પણ ભીની થઇ હતી.

આ પ્રસંગે જીવનસંધ્યા(વૃધ્ધાશ્રમ)ના મેનેજીંગ ટ્રસ્ટી સુકેતુભાઇ નાગરવાડિયા, ટ્રસ્ટી ડિમ્પલબહેન શાહ, સેવાભાવી વિનોેદભાઇ પાઠક સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(9:27 pm IST)