Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

અમદાવાદ પીએસઆઇ દેવેન્દ્રસિંહને પરેડમાં નાપાસ કરવાની ચેતવણી આપી હતી

પરિવારના આક્ષેપોથી ભારે સનસનાટી : ક્રાઇમબ્રાંચે મૃતક પીએસઆઇના નિવાસ પર જઇ નિવેદનોની નોંધણી કરી: પીએસઆઇ રાઠોડની આત્મહત્યા કેસમાં વળાંક

અમદાવાદ,તા. ૫ : પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં પોતાની વિરૂધ્ધ ગંભીર ફરિયાદ દાખલ થતાંની સાથે જ ડીવાયએસપી એન.પી.પટેલ ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઊતરી ગયા છે, ત્યારે બીજીબાજુ, શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આજે મૃતક પીએસઆઇ રાઠોડના નિવાસસ્થાને પહોંચી તેમના પરિવારજનોના સત્તાવાર નિવેદનો નોંધ્યા હતા. તો આ કેસમાં આજે કેટલાક નવા ઘટસ્ફોટ સામે આવ્યા હતા. જે મુજબ, દેવન્દ્રસિંહ અને ડીવાયએસપી એન.પી.પટેલ વચ્ચે યુનિફોર્મ સીવડાવવાને લઇ બબાલ થઇ હતી. ડીવાયએસપી એન.પી.પટેલે પીએસઆઇ દેવેન્દ્રસિંહને નાપાસ કરવાની ધમકી આપી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પાસીંગ આઉટ પરેડમાં દેવેન્દ્રસિંહનું લીસ્ટમાં નામ હતું નહીં, જેથી તેને નાપાસ કરવામાં આવ્યો હતો. દેવેન્દ્રના આપઘાત બાદ તેણે લખેલ આન્સરશીટમાં ચેડાં કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા હતા અને પાછળથી તેને પાસ કરી દેવામાં આવ્યો છે. આ ગંભીર આક્ષેપોને લઇ પોલીસે હવે તે દિશામાં પણ તપાસ આરંભી છે. તો પોલીસ હજુ આ પ્રકરણના આરોપી ડીવાયએસપી એન.પી.પટેલ સુધી પહોંચી શકી ન હતી.    મૃતક પીએસઆઇના પરિવારજનોના નવા આક્ષેપો બાદ ક્રાઇમ બ્રાંચે તેની આન્સરશીટ અને સ્યુસાઇડ નોટને એફએસએલમાં મોકલી આપી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, ડીવાયએસપી એન.પી.પટેલે દેવેન્દ્રસિંહ સાથે અદાવત રાખીને નાપાસ કર્યો હતો. શહેરના આર.સી ટેકનિકલ પાસેના નિર્માણ ટાવર નજીકના રાજયોગ રોહાઉસમાં રહેતા અને કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે ગયા સોમવારે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. પીએસઆઇએ આત્મહત્યા કરતાં પહેલાં ત્રણ પાનાંની સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં કરાઇ એકેડમીના ડીવાયએસપી એન.પી.પટેલે આપેલા શારીરિક અને માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહી, ડીવાયએસપી એન.પી. પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરીને આજીવન કેદ કરવામાં આવે તેમ પીએસઆઇ દેવેન્દ્રસિંહે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. પરિવારજનોની ઉગ્ર લડત બાદ આખરે પોલીસ કમિશનર અને રાજયના ડીજીપીના નિર્દેશોને પગલે આખરે શહેર ક્રાઇમબ્રાંચને તપાસ સોંપી ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રરેણાનો તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા અંગે મેંગણી કરવા બદલ ગુનો દાખલ કરાયો હતો. પોતાની વિરૂધ્ધ ફરિયાદ દાખલ થતાં ધરપકડથી બચવા ડીવાયએસપી એન.પી.પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેમને શોધવા ક્રાઇમબ્રાંચ સંભવિત સ્થાનોએ તપાસ ચલાવી રહી છે.

(9:24 pm IST)