Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

વડોદરામાં બીએમડબલ્યુ ચાલકે ૩ જણાંને ફંગોળી દીધા

હીટ એન્ડ રનના બનાવને પગલે ચકચાર : સીસીટીવી ફુટેજમાં મહિલા અને બાઇક ચાલક દસ ફુટ ઉંચે ફંગોળાતા જોઇ લોકો કાંપી ગયા : કાર ચાલક પલાયન

અમદાવાદ,તા. ૫ : વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આજે બપોરે ૩-૩૦ વાગ્યાના આરસામાં પુરપાટ ઝડપ જઈ રહેલા બીએમડબલ્યુના ચાલકે એક પછી એક ત્રણ ટુ-વ્હીલર અને કારને અડફેટે લીધા હતા. જેમાં ભાઈ-બહેન સહિત ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘટનાના સામે આવેલા સીસીટીવી ફુટેજમાં મહિલા અને બાઇકચાલક દસ ફુટ ઉંચે ફંગોળાતા જોઇ ભલભલાના કાળજા કંપી ગયા હતા તો, અકસ્માત બાદ કારનો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સ્થાનિક પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, બીએમડબલ્યુ હીટ એન્ડ રનના આ કેસને લઇ અમદાવાદમાં વિસ્મય શાહના બીએમડબલ્યુ કેસની યાદ તાજી કરાવી હતી. વડોદરાના બીએમડબલ્યુ હીટ એન્ડ રનના બનાવને જોઇ રાજયભરમાં ભારે ચકચાર મચી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારની એમ.કે હાઇસ્કૂલ પાસેનો રોડ સિંગલ પટ્ટી અંતરિયાળ રોડ પર વાહનોની સ્પીડ ખુબ જ સામાન્ય હોય છે. તેમાં અચાનક ધસી આવેલી બીએમડબલ્યુ કારે (જીજે-૦૨,એપી ૫૫૫૯) બે વાહનોને અથડાયા બાદ ધડાકાભેર રસ્તા પરના થાંભલાને ટકરાઈ હતી. આ કાર જે ગેરેજમાં રિપેરિંગ માટે આવી હતી તેના માલિક અમજદભાઈએ જણાવ્યું હતું કે, રેહાન નામનો ૨૦ વર્ષની આસપાસનો મિકેનિક બીજા છોકરાની સાથે કાર લઈને ચક્કર મારવા નીકળ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જો બીએમડબલ્યુ કારની ટક્કર એટલી જોરદાર હતી કે, બાઇક પર સામેથી આવતાં મહિલા અને પુરૂષ દસ ફુટ ઉંચે ફંગોળાઇ નીચે પટકાયા હતા. પુરૂષ તો એટલા જોરથી ફંગોળાયો હતો કે, આ પુરૂષની ટક્કરથી દૂર પડેલી વેગન આર કારની પાર્ક કરેલી દિશા આખી બદલાઇ ગઇ હતી. સીસીટીવી ફુટેજમાં આ સમગ્ર ઘટના કેદ થઇ હતી, જે જોઇ અકસ્માતની ગંભીરતાનો ખ્યાલ આવી શકતો હતો. તો મહિલા પણ દસ ફુટ ઉંચે જોરદાર રીતે ફંગોળાઇ જમીન પર પટકાઇ હતી. બીએમડબલ્યુ કારની જબરદસ્ત ટક્કરથી ઇજા પામનાર આશિષ (ઉ.વ. ૨૭) અને જયશ્રી કવૈયા (ઉ.વ.૨૪)ની હાલત ગંભીર છે. જેમાં આશિષનો ડાબો પગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ૧૦૮માં સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જયાં તેમની સઘન સારવાર ચાલી રહી છે.

(9:20 pm IST)