Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

વિદ્યાર્થી સંગઠનો વચ્ચે પ્રભુત્વ અંગે લડાઇ હિંસામાં પરિણમી

ભવન્સ કોલેજની બહાર જ છૂરાબાજીમાં એક ઘાયલ :એનએસયુઆઇ વિદ્યાર્થી લીડરો દ્વારા એબીવીપી વિદ્યાર્થી નેતા ઉપર હુમલો થતાં ચકચાર ફેલાઈ : પોલીસની તપાસ

અમદાવાદ,તા. ૫ : વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) અને એબીવીપી(અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ના વિદ્યાર્થી નેતા અને કાર્યકર્તાઓ વચ્ચે અનેક વખત યુનિવર્સિટી અને કોલેજ કેમ્પસમાં બબાલો થઇ હોવાની અનેક ઘટનાઓ ઘટી છે ત્યારે ગઇકાલે મોડી રાતે દીવાલ પરનું એબીવીપીનું પોસ્ટર હટાવવાની બાબતે એનએસયુઆઇ અને એબીવીપી એ બે સંગઠનના વિદ્યાર્થી નેતા આમનેસામને આવી ગયા હતા અને વર્ચસ્વની આ લડાઇમાં શહેરના કોટ વિસ્તારમાં આવેલી ભવન્સ કોલેજની બહાર જ છૂરાબાજી થવાની હિંસક ઘટના બનતાં મામલો બીચક્યો હતો. એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓએ એબીવીપીના વિદ્યાર્થી નેતા પર છરી વડે હુમલો કર્યો હતો. શાહપુર પોલીસે ત્રણ વિદ્યાર્થી નેતા વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. શાહપુર વિસ્તારમાં રહેતા અને એબીવીપીમાં ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય પ્રતિક મિસ્ત્રીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં એનએસયુઆઇના ત્રણ વિદ્યાર્થી નેતાઓ વિરુદ્ધમાં છરી લઇને હુમલો કરવાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ગઇકાલે પ્રતીક અને તેનો મિત્ર દિવ્યસિંહ મેમનગર મિત્રની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરીને માણેકચોક જમવા માટે જતા હતા. પ્રતીક ભવન્સ કોલેજમાં ટીવાયબીકોમમાં અભ્યાસ કરે છે અને એબીવીપીમાં વિદ્યાર્થી નેતા છે. મોડી રાતે પ્રતીક અને દિવ્યસિંહ બન્ને જણા બાઇક લઇને ભવન્સ કોલેજ પાસેથી નીકળ્યા હતા. કોલેજ પાસેથી પસાર થતા હતા ત્યારે ભવન્સ કોલેજમાં અભ્યાસ કરતા અરબાઝખાન (પ્રમુખ, ભવન્સ કોલેજ, એનએસયુઆઇ), ફરહાનખાન (જનરલ સેક્રેટરી, એનએસયુઆઇ, અમદાવાદ) અને ભાવિન કોહલે (એનએસયુઆઇ કાર્યકર્તા)ને એબીવીપીનું પોસ્ટર ઉતારતાં પ્રતીક જોઇ ગયો હતો. પ્રતીક તરત જ તેમની પાસે પહોંચી ગયો હતો અને અમારું પોસ્ટર કેમ ઉતારો છો તેમ કહ્યું હતું. પ્રતીકને જોઇને અરબાઝ, ફરહાન અને ભાવિને તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને તેના પર એકાએક હુમલો કરી દીધો હતો. એબીવીપીનું પોસ્ટર ઉતારીને એનએસયુઆઇનું પોસ્ટર લગાવવાના મામલે મામલો બીચક્યો હતો. ત્રણેય જણા ભેગા થઇને પ્રતીક અને દિવ્યસિંહને માર મારવા લાગ્યા હતા. મારામારી બાદ ત્રણેય જણાએ પ્રતીક પર છરી વડે હુમલો કરી દીધો હતો. પ્રતીકને આડેધડ છરીના ઘા મારીને ત્રણેય વિદ્યાર્થી નેતાઓ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત પ્રતીકને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યારે ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ પણ તાત્કાલિક વીએસ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.

 એબીવીપીના વિદ્યાર્થી નેતા પર છરી વડે હુમલો થયો હોવાના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરતાં મોડી રાતે એબીવીપીના વિદ્યાર્થી નેતા અને કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં ભીડ વીએસ હોસ્પિટલમાં આવી પહોંચી હતી. પાંચસો કરતાં વધુ એબીવીપી સંગઠન સાથે જોડાયેલા લોકો આવી પહોંચતાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. શાહપુર પોલીસ તેમજ ઉચ્ચ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરીને અરબાઝ, ફરહાન અને ભાવિન વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભવન્સ કોલેજમાં ગરબાની મંજૂરી લેવા બાબતે તેમજ અન્ય કાર્યક્રમો કરવા બાબતે પ્રતીક અને અરબાઝ આમનેસામને આવ્યા હતા. પ્રતીક અને અરબાઝ બન્ને  ભવન્સ કોલેજમાં અભ્યાસ કરે છે અને બન્ને અલગ અલગ વિદ્યાર્થી સંગઠનના હોવાથી અનેક વખત બબાલ થઇ ગઇ છે. આમ, બંને વિદ્યાર્થી સંગઠનમાં વર્ચસ્વની લડાઇ હિંસામાં પરિણમતાં શિક્ષણજગતમાં પણ ભારે ચકચાર મચી હતી.

 

(8:04 pm IST)