Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

વાયબ્રન્ટ સમીટઃ પીએમ સહિતના મહાનુભાવોની સુરક્ષા માટે જબ્બર સુરક્ષાચક્ર

ગુજરાતભરમાંથી ચુનંદા પોલીસ સ્ટાફને તેડાઃ પ૦૦૦ પોલીસ તૈનાતઃ ડ્રોન કેમેરાથી એરપોર્ટથી લઇ મહાત્મા મંદિર સુધી નિરીક્ષણ : ચેતક કમાન્ડો, બોંબ ડિસ્પોઝલ સ્કવોડ, કયુઆરટી અને અર્ધ લશ્કરી દળો ખડેપગેઃ ઇંગ્લીશ બોલી શકતા અધિકારીઓ મોખરે રહેશે

રાજકોટ, તા., ૫: ગુજરાતમાં ગાંધીનગર ખાતે દેશ વિદેશના ઉદ્યોગગૃહોની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ  સમીટ યોજવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પરંપરા યથાવત રહી હોય ચાલુ માસે યોજાનાર વાયબ્રન્ટ સમીટમાં વડાપ્રધાન સહીતના મહાનુભાવોની ઉપસ્થિતિધ્યાને લઇ ગાંધીનગરમાં ટોચના પોલીસ અધિકારીઓના માર્ગદર્શનમાં પ૦૦૦ થી વધુ પોલીસ દળ તૈનાત કરવામાં આવનાર છે.

મહાત્મા મંદિર ખાતે યોજાતી આ સમીટમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોની સુરક્ષા એરપોર્ટથી લઇ મહાત્મા મંદિર સુધી ફુલપ્રુફ રહે તે માટે કોઇ કચાશ ન રહે તે માટેનું આયોજન રાજયના પોલીસ વડાના માર્ગદર્શનમાં થઇ રહયું છે.

 ચાર એડીશ્નલ ડીજી, ડીઆઇજી કક્ષાના અધિકારીઓ, ર૧ જેટલા એસપી કક્ષાના અધિકારીઓ અને ૪૦૦૦ પોલીસદળ ઉપરાંત  ટ્રાફીક પોલીસ અને અન્ય પોલીસને મહત્વની ફરજો સુપ્રત કરવામાં આવી છે. અંગ્રેજી સારીરીતે બોલી શકે તેવા અધિકારીઓ મહાનુભાવોની આસપાસની સુરક્ષામાં પ્રથમ પસંદગી બન્યા છે. સમગ્ર મોમેન્ટ પર ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરવામાં આવશે. અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંહ અને ગાંધીનગરથી જીલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા તમામ બાબતો પર જાત નિરીક્ષણ રાખશે.

મહાનુભાવોની સુરક્ષા ધ્યાને લઇ ગુજરાત ભરમાંથી ચુનંદા પોલીસ અધિકારીઓ વાયબ્રન્ટ બંદોબસ્ત માટે તેડાવવામાં આવ્યા છે. પોલીસ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, કયુઆરટી, ચેતક કમાન્ડો અને અર્ધ લશ્કરી દળની ટુકડીઓ ખડેપગે રહેશે. (૪.૬)

(3:18 pm IST)