Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પતંગ મહોત્સવઃ રાજ્યપાલ દ્વારા છઠ્ઠીએ આરંભ કરાશે

મુખ્યમંત્રી ‌‌વવિજયભાઇરૂપાણી વિશેષ ઉપસ્થિત રહેશેઃ ૧૪ જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ઉજવણી પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ઉજવણી થશે

અમદાવાદ,તા.૪: આગામી છઠ્ઠી જાન્યુઆરીના દિવસે રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે અમદાવાદમાં સવારે આઠ વાગે રાજયના ત્રીસમા આંતરરાષ્ટ્રિય ૫તંગ મહોત્સવનો પ્રારંભ થશે. શહેરના એનઆઈડી પાછળ આવેલા વિખ્યાત રીવરફ્રંટ મેદાન ઉપર યોજાનાર આ કાર્યક્રમમાં પ્રારંભમાં ભાગવત વિદ્યાપીઠના ૨૦૦ જેટલા ઋષિ કુમારો દ્વારા સૂર્યસ્તુતિ વંદના કરાશે અને શહેરની મ્યુનિસિપલ શાળાઓના બે હજાર જેટલા બાળકો દ્વ્રારા સૂર્ય-નમસ્કાર પણ યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા ખાસ હાજર રહેશે.   આ ત્રીસમા આંતરરાષ્ટ્રિય પતંગોત્સવમાં ૧૫ જેટલા દેશોના રાજદૂતો પણ હાજર રહેનાર છે. આ દેશોમાં પેલેસ્ટાઈન, લિબિયા, ડીઆર કોંગો, મ્યાનમાર, તનિસિયા, માલી, ઝિમ્બાવે, તાઈપાઈ, બ્રુનેઈ દારુસલેમ, રવાંડા, મલેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂકેલા ગુજરાતના આ ઉત્તરાયણ ખૂબ જ મહત્વના તહેવાર પ્રસંગે યોજાઈ રહેલા આ પતંગોત્સવમાં ૪૫ જેટલા દેશોના ૧૫૧ પતંગ રસિકો ભાગ લેશે. જ્યારે દેશના ૧૩ જેટલા રાજ્યોમાંથી ૧૦૫ અને રાજ્યના ૧૯ શહેરોના ૫૪૫ જેટલા પતંગ રસિકો ઉત્સાહભેર ભાગ લેનાર છે. છઠ્ઠી જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે પ્રારંભ થયા બાદ આ આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ રાજ્યના વિવિધ અગિયાર જેટલા નાના મોટા નગરો અને ફરવાના સ્થળોએ પણ પતંગોત્સવ યોજાશે. તારીખ સાતમી જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે અને બીજા દિવસે આઠમીના રોજ પ્રથમ વાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કેવડિયા ખાતે પતંગોત્સવ યોજાશે. આજ દિવસે સૌરાષ્ટ્રમાં દ્વારકા ખાતે પણ યોજાનાર છે. નવમી તારીખે રાજકોટ અને સુરત ખાતે જ્યારે, દસમીના રોજ સોનગઢ અને જેતપુર ખાતે યોજાશે. અગિયારમી એ ગુજરાતના એકમાત્ર હિલ-સ્ટેશન સાપુતારા અને કચ્છના ધોરડોમાં પતંગ મહોત્સવ યોજાશે. ધોરડો ખાતે બીજા દિવસ એટલે કે, બારમી જાન્યુઆરીના રોજ પણ સફેદ-રણમાં પતંગોત્સવ યોજાશે. જેનો લાભ રણ-ઉત્સવની મુલાકાતે આવનાર પ્રવાસીઓ પણ લઈ શકશે.

છેલ્લા દિવસ એટલે કે ૧૪મી જાન્યુઆરી, ઉત્તરાયણના દિવસે અમદાવાદની પોળોમાં પરંપરાગત રીતે ધાબા અને મકાનોની અગાશીઓ ઉપર પ્રવાસન નિગમ દ્વારા દેશ વિદેશના વિવિધ પતંગ રસિકો સાથે પતંગોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે અમદાવાદમાં બધા દિવસ છઠ્ઠી જાન્યુઆરીથી ચૌદમી જાન્યુઆરી દરમિયાન ઉજવણી થશે. આ મહોત્સવ ગુજરાતના પર્યટન ઉદ્યોગ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યો હોઈ દેશના ૧૬ જેટલા રાજ્યોમાંથી ટ્રાવેલ ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ પતંગોત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર છે. આ આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવમાં ભાગ લેનાર પતંગબાજોની વિગતો જોઈએ તો ભારતના ૧૩ રાજ્યોમાંથી ૧૦૫ જેટલા પતંગબાજ ભાગ લેવા આવનાર છે એમાં મહારાષ્ટ્રમાંથી ૧૪, રાજસ્થાનમાંથી ૧૨, કર્ણાટક અને તામીલનાડુમાંથી ૭-૭, આંધ્રપ્રદેશ, પશ્ચિમબંગાળ અને ઉત્તરપ્રદેશના લખનૌમાંથી ૪-૪-૪,બિહાર, પંજાબમાંથી ૩, દિલ્હી અને પુડુચેરીમાંથી ૧-૧ પતંગબાજોનો સમાવેશ થાય છે.

(10:09 pm IST)