Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

દેશમાં ઓપન હાર્ટ સર્જરી વિના હૃદયના વાલ્વ બદલવું શક્ય

શહેરમાં ત્રણ દિવસની જેઆઇસી-૨૦૧૮નો પ્રારંભઃ દેશ-વિદેશથી અઢીથી ત્રણ હજાર નિષ્ણાત તબીબો-તજજ્ઞો જોડાશે :ગર્ભાવસ્થા, ન્યુરો સહિત વિવિધ વિષય પર ચર્ચા

અમદાવાદ,તા. ૪: અમેરિકાની જેમ હવે ભારતમાં પણ હાર્ટ પેશન્ટનું હાર્ટ બંધ પાડયા વિના કે સર્જરી કર્યા વિના એટલે કે, ઓપન હાર્ટ સર્જરી કર્યા વિના ટ્રાન્સકેથેટર એરોટીક વાલ્વ રિપ્લેસમેન્ટ અથવા ઇમ્પ્લાન્ટેશન પધ્ધતિ મારફતે હૃદયના વાલ્વ બદલી શકાય છે. આ લેટેસ્ટ અને સફળ પધ્ધતિ હવે ભારતમાં પણ શરૂ કરી હાર્ટ પેશન્ટ લોકોને વાલ્વની તકલીફમાંથી મુકિત આપી શકાશે. એસોસીએશન ઓફ ફિઝીશીયન્સ ઓફ અમદાવાદના સહયોગથી કેર ઇન્સ્ટીટયુટ મેડિકલ સોસાયટી ફોર રિસર્ચ એન્ડ એજયુકેશન(સીમ્સરી) અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, સોલાના સંયુકત ઉપક્રમે શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે  હૃદયરોગ, ઇન્ટરનલ મેડિસીન, ઓન્કોલોજી અપડેટ્સ, ઉંચુ જોખમ ધરાવતી ગર્ભાવસ્થા, ન્યુરો સહિતના વિષયોને લઇ બહુ મહત્વની સંયુકત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો, જેમાં દેશ-વિદેશથી આવેલા નિષ્ણાત તબીબોએ વિશ્વમાં હૃદય રોગ સંબંધી સમસ્યા, નિદાન, સારવાર અને દવા-પધ્ધતિ વિશે બહુ મહત્વની જાણકારી રજૂ કરી હતી. જેમાં સીમ્સના ચેરમેન ડો.કેયુર પરીખ,  અમેરિકાના ચીફ કાર્ડિયોલોજીસ્ટ સ્ટીવ નીસ્સેન, કલિવલેન્ડ કલીનીકના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના વિભાગીય વડા ડો.સમીર કાપડિયા, કેલિફોર્નિયાના અધ્યાપક ડો.ઉરી એલ્કાયમ, ડો.નીલ મહેતા સહિતના નિષ્ણાત તજજ્ઞોએ અમેરિકાની જેમ હવે ભારતમાં પણ ઓપન હાર્ટ સર્જરી કર્યા વિના હૃદયના વાલ્વ બદલવાની પધ્ધતિ શરૂ કરાઇ હોવાની મહ્ત્વની જાણકારી આપી હતી. ત્રણ દિવસ ચાલનારી આ જોઇન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અંગે સીમ્સના ચેરમેન અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો.કેયુર પરીખ અને ડો.સમીર કાપડિયાએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક વર્ષોમાં ભારતમાં હૃદય રોગની સમસ્યા અને તકલીફ ઘણી વધી છે. ખાસ કરીને નાની ઉમંરના લોકોમાં પણ હવે હૃદય રોગની સમસ્યા ગંભીર રીતે સામે આવી રહી છે. સૌપ્રથમવાર અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી અને અમેરિકન હાર્ટ એસોસીએશન દ્વારા સાઉથ એશીયન લોકોમાં હૃદયરોગનું જોખમ વધ્યુ હોવાની બાબતનો તેમની આ અંગેની સૂચિમાં ઉમેરો કર્યા છે, તે પરથી ખ્યાલ આવી શકે કે, ભારતમાં પણ હૃદયરોગની બિમારી કેટલી વધી છે. ૩૦ ટકા ભારતીયોમાં હાઇ બ્લડપ્રેશર અને ૫૦ વર્ષ પછી હાઇકોલેસ્ટ્રોરલની તકલીફ સામે આવી છે. હૃદયરોગની બિમારી માટેના જનરલ કારણો જણાવતાં સીમ્સના ચેરમેન ડો.કેયુર પરીખ અને ડો.સમીર કાપડિયાએ જણાવ્યું કે, બેઠાડુ જીવન, અનિયમિત ખાનપાન, કસરત વિનાનું જીવન, તમાકુ-ધુમ્રપાન સહિતના કારણો હૃદયરોગમાં મુખ્ય રીતે જવાબદાર હોય છે. જો કે, ભારતમાં પણ હવે હૃદયરોગની બિમારીનું નિદાન અને સારવાર આંતરરાષ્ટ્રીય સ્તરે શકય બની છે. નવા સંશોધનો, ટેકનીક અને દવાઓના આધારે તેમાં સફળતા પણ મળી રહી છે. ખાસ કરીને ભારતમાં હવે અમેરિકાની જેમ ઓપન હાર્ટ સર્જરી કર્યા વિના હૃદયરોગના દર્દીના હૃદયમાં વાલ્વ બદલી શકાય છે અને તેને નવજીવન બક્ષી શકાય છે. તેમણે ઉમેર્યું કે, ત્રણ દિવસની આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશ-વિદેશથી અઢીથી ત્રણ હજાર જેટલા નિષ્ણાત તબીબો-તજજ્ઞો ભાગ લેવા આવશે. ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં પોણા ત્રણસો જેટલા વકતવ્યો, પ્રવચનો અને માર્ગદર્શક ચર્ચા-વિચારણાના સેશન યોજાશે. જે મેડિકલ ફેકલ્ટીની સાથે સાથે દર્દીઓ અને સમાજને એક નવી રાહ ચીંધશે.

(10:18 pm IST)