Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

PSI રાઠોડની અંતિમવિધિ કરાઇ : DYSP ભૂગર્ભમાં

મૃતક પીએસઆઇની અંતિમયાત્રામાં લોકો ઉમટ્યા : આત્મહત્યાની દુષ્પ્રેરણા અને અઘટિત માંગણીને લઇ ગુનો નોંધાયા બાદ ડીવાયએસપી પટેલ શોધ્યા જડી રહ્યા નથી

અમદાવાદ, તા.૪ : કરાઇ એકેડમીમાં ટ્રેનિંગ લઇ રહેલા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે કરેલી આત્મહત્યાના ચકચારી કિસ્સામાં ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાંચે ગઇકાલે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો તેમજ અઘટિત માગણી કરવા બદલ ગુનો દાખલ કર્યો છે, તેના પગલે પરિવારજનોએ આજે સવારે મૃતક દેવેન્દ્રસિંહના અંતિમ સંસ્કાર કર્યા હતા. પીએસઆઇની અંતિમયાત્રામાં પરિવારજનો, મિત્રવર્તુળ, સગાવ્હાલા ઉપરાંત પોલીસ તંત્રના કર્મચારીઓ સહિત સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. પીએસઆઇ રાઠોડની અંતિમવિધિ વાડજ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવી હતી. બીજીબાજુ, પોતાની વિરૂધ્ધ ગંભીર ફરિયાદ દાખલ થતાંની સાથે જ ડીવાયએસપી એન.પી.પટેલ ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઊતરી ગયા છે. પોલીસે તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરની આર.સી ટેકનિકલ પાસેના નિર્માણ ટાવર નજીકના રાજયોગ રોહાઉસમાં રહેતા અને કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે ગયા સોમવારે બપોરે સવા એક વાગ્યે સાળાની રિવોલ્વરથી દાઢીના નીચેના ભાગે બે રાઉન્ડ ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી હતી. પીએસઆઇએ આત્મહત્યા કરતાં પહેલાં ત્રણ પાનાંની સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં કરાઇ એકેડમીના ડીવાયએસપી એન.પી.પટેલે આપેલા શારીરિક અને માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. પીએસઆઇ દેવેન્દ્રસિંહે  ડીવાયએસપી એન.પી. પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરીને આજીવન કેદની સજા કરવામાં આવે તેવો ખાસ ઉલ્લેખ કરતાં ભારે ખળભળાટ મચી ગયો હતો.  દેવેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ.૩૫)કરાઈ એકેડમીમાં પીએસઆઇ તરીકે ટ્રેનિંગ લઈ રહ્યા હતા ત્યારે તેને કરાઈ એકેડમીના મદદનીશ નિયામક આઉટડોર (ડીવાયએસપી) એન.પી. પટેલ શારીરિક અને માનસિક ત્રાસ ખૂબ જ આપતા હોવાથી દેવેન્દ્ર ખૂબ જ ત્રાસી ગયા હતા. એન.પી. પટેલ દેવેન્દ્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવા માટેની પણ માગણી કરતા હોવાના ગંભીર આક્ષેપો પણ મૃતકની પત્ની દ્વારા કરાયા છે. સોલા પોલીસે આ કેસમાં ડીવાયએસપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ નહીં કરતાં ઘટનાને દબાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો તો બીજી તરફ ડીવાયએસપી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવા માટે દેવેન્દ્રસિંહનાં પરિવારજનોએ ત્રણ દિવસ સુધી મૃતદેહ સ્વીકાર્યો ન હતો. ડીવાયએસપી વિરુદ્ધમાં ગુનો દાખલ નહીં થાય તો તેમણે દેવેન્દ્રના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. ક્રાઇમ બ્રાંચે સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમની રચના કરી હતી. ગઇકાલે બે એસીપી તેમજ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ દેવેન્દ્રસિંહના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડીવાયએસપી વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા અંગે માગણી કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદ દાખલ કરતાં દેવેન્દ્રસિંહના મૃતદેહને પરિવારજનોએ સ્વીકારી લીધો હતો અને વાડજ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કર્યા હતા. પરિવારજનોએ દેવેન્દ્રસિંહનો મૃતદેહ સ્વીકારી લેતાં આજે વહેલી સવારથી તેમના નિવાસસ્થાને પોલીસનો કડક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. અંતિમયાત્રામાં લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા પરંતુ બીજીબાજુ, ખુદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે કરાઇ એકેડમીના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચક ગેરહાજરીએ સૌનુ ધ્યાન ખેંચ્યું હતું. તો, ફરિયાદ દાખલ થયા બાદ ડીવાયએસપી એન.પી. પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, સંભવતઃ તેઓ ધરપકડથી બચવા માટે કાનૂની સહારો લે તેવી પણ શકયતા સેવાઇ રહી છે.

(7:33 pm IST)