Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

કુલ ૨૮ વાંસથી બનાવાયેલી રેસ્ટોરન્ટનું બાંધકામ દુર થયું

નવા પશ્ચિમઝોનમાં એસજી હાઈવે પર કાર્યવાહીઃ મ્યુનિ.સ્ટાફ સાથે ઘર્ષણ : પોલીસ અને સ્ટાફની સમજાવટ બાદ વેપારીઓ દ્વારા દબાણો જાતે જ દુર કરવામાં આવ્યા

અમદાવાદ, તા.૫, મુંબઈ ખાતે બનેલી આગની દુર્ઘટનાના પગલે અમદાવાદ શહેરમાં પણ વાંસ કે પતરાના શેડ ઉભા કરી ફાયર સેફટી ન ધરાવતી ટેરસ રેસ્ટોરન્ટો સામે કડક કાર્યવાહી કરવાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ આજે શહેરના એસ.જી.હાઈવે ઉપર આવેલી ૨૮ આ પ્રકારે ઉભી કરી દેવામાં આવેલી રેસ્ટોરન્ટોના બાંધકામ તોડવા ગયેલી મ્યુનિ.ની ટીમ સાથે ઘર્ષણના બનાવ બાદ પોલીસ અને મ્યુનિ.ટીમની સમજાવટ બાદ વેપારીઓ દ્વારા પણ તેમના આ પ્રકારે ઉભા કરવામાં આવેલા દબાણોને દુર કરવામાં તંત્રને મદદ કરવામાં આવતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો.આ અંગેની વિગત એવી છે કે,થોડા સમય અગાઉ મુંબઈ ખાતે બર્થ-ડે મનાવવા રાખવામાં આવેલી પાર્ટી દરમિયાન લાગેલી આગના બનાવની ગંભીરતાને  ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારે ફાયરસેફટીના સાધનો લગાવ્યા વગર ચલાવવામાં આવી રહેલી રેસ્ટોરન્ટોની સામે કડક કાર્યવાહી કરવા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા એસ્ટેટ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવીને આદેશ આપવામાં આવ્યા હતા.જેને પગલે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે ચલાવવામાં આવી રહેલી અનેક રેસ્ટોરન્ટો બંધ કરાવવામાં આવી છે.બીજી તરફ આજે શુક્રવારે શહેરના નવા પશ્ચિમઝોનમાં એસ.જી.હાઈવે પર ઉજાલા સર્કલ તરફ  વાંસથી બનાવવામાં આવેલી ૨૮ રેસ્ટોરન્ટના બાંધકામો તોડવા નવા પશ્ચિમઝોનના એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહની આગેવાનીની ટીમ પહોંચતા આ રેસ્ટોરન્ટના સંચાલક વેપારીઓ મ્યુનિ.ની ટીમ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા.આ પરિસ્થિતિ વધુ ન વણસે એ માટે પોલીસની સાથે એસ.આર.પી.ના જવાનોની મદદ પણ લેવામાં આવતા વેપારીઓએ પણ પરિસ્થિતિ સમજીને મ્યુનિ.ની ટીમને આ પ્રકારના દબાણો દુર કરવામા મદદ કરી હતી.એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહ પર હૂમલો કરવામા આવ્યો હોવાના  વહેતા થયેલા અહેવાલોને રદીયો આપતા તેમણે કહ્યુ કે,ઘર્ષણ થયુ હતુ હૂમલો કરવામાં આવ્યો ન હતો.તેમણે કહ્યુ કે,જે બાંધકામો દુર કરવામા આવ્યા છે તેમાં ૨૦ જેટલી ફૂડ કોર્ટનો સમાવેશ થાય છે આ ઉપરાંત પકવાન ચારરસ્તા પાસે સાંઈનથ કાઠીયાવાડી રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને  પણ દુર કરવામા આવ્યુ છે.

(10:15 pm IST)