Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

મોબાઈલ રીપેરીંગના બહાને ગાંધીનગરનો કોન્સ્ટેબલ 3000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

ગાંધીનગર: જિલ્લામાં લાંચિયા અધિકારી, કર્મચારીઓને પકડવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત એસીબીએ ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલને ત્રણ હજાર રૃપિયાની લાંચમાં ઝડપી લીધો હતો. ચેક રીટર્ન બાબતે ધરપકડ વોરંટ ઈસ્યુ થયું હોવાથી આરોપીને નહીં પકડવા માટે મોબાઈલ રીપેરીંગ માટે ત્રણ હજાર રૃપિયા માંગ્યા હતા. આજે એસીબીનું છટકું સફળ રહયું હતું અને આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં વધતી જતી ભ્રષ્ટાચારની ફરિયાદો સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને લોકોને કોઈપણ વિભાગમાં આપવી પડતી લાંચ અંગે ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરવા માટે પણ વિનંતી કરવામાં આવે છે. જેના કારણે વિવિધ વિભાગોમાંથી લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને પકડવામાં સફળતા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં પણ એસીબી દ્વારા લાંચિયા કર્મચારીઓને પકડવા ઓપરેશન હાથ ધરાઈ રહયા છે ત્યારે ગાંધીનગર શહેરના સે-ર૪માં રહેતાં એક નાગરિકને ચેક રીટર્ન કેસમાં કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું. જે વોરંટ અંતર્ગત એસઓજીના કોન્સ્ટેબલ હિંમતસિંહ રતનસિંહ રાઓલ તેના ઘરે પહોંચ્યા હતા અને તેની ધરપકડ નહીં કરવા માટે આ આરોપી પાસેથી ત્રણ હજાર રૃપિયાની રકમ મોબાઈલના રીપેરીંગ માટે માંગી હતી. જેથી આ સંદર્ભે ગાંધીનગર એસીબીમાં ફરિયાદ થતાં પોલીસ ઈન્સ્પેકટર ડી.વી.પ્રસાદ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી અને કોન્સ્ટેબલ હિંમતસિંહ મોબાઈલની દુકાનમાં ગયા હતા જ્યાં મોબાઈલના રીપેરીંગ પેટે ત્રણ હજાર રૃપિયા ચુકવ્યા હતા. એસીબીએ છટકાંમાં આ કોન્સ્ટેબલને ઝડપી પાડયો હતો. જેના પગલે જિલ્લા પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઈ હતી.

(5:59 pm IST)