Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ધાનેરા વિધાનસભાના પાંથાવાડા ખાતે કેન્દ્રીયમંત્રી પરષોતમ રૂપાલાએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં જંગી સભા સંબોધીઃ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર ઉપર આકરા પ્રહારો કરી ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી

'કેટલાક સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે છે, આ સાતમ આઠમના ગરબા છે કે એના ફોટા આપીએ' જેવા મુદ્દે કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર હાથે હાથ લીધા

બનાસકાંઠા: ધાનેરા વિધાનસભાના પાંથાવાડા ખાતે કેન્દ્રીયમંત્રી પરષોતમ રૂપાલાએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં જંગી સભા સંબોધી હતી અને કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર ઉપર આકરા પ્રહારો કરી ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી.

વિધાનસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ આજે શાંત થતા પહેલા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ છેલ્લી ઘડીની સભાઓ સંબોધી રહ્યા છે ત્યારે આજે ધાનેરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર ભગવાન પટેલના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ પાંથાવાડામાં જંગી જાહેર સભાને સંબોધી હતી. ત્યાં ભાજપના નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાએ સભાને સંબોધતા કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, પ્રચારના છેલ્લા દિવસે હું પ્રચારમાં ઓછો માનું છું. આ દિવસો વધારે મતદાન થાય તેવું કરવાનું હોય પણ પાર્ટીએ કહ્યું એટલે આવ્યો અહીં પ્રચાર કરતા અપ્રચાર વધુ થાય છે. 

રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં અપક્ષ માવજીભાઈ દેસાઈ કહે છે કે હું ભાજપ માટે ઉભો રહ્યો છું તો ભગવાનભાઈને ભાજપે કમળ આપ્યું છે. માવજીભાઈને ભાજપે અગાઉ ટીકીટ આપી હતી અને ઘણું બધું આપ્યું હતું તો ય તેવો અપક્ષ ઉભા રહ્યા. પાર્ટીના વિરોધ કામ કરો છો અને પાર્ટીનું નામ શું કામ લેશો. તમને ભાજપ ગમતું હોય તો હજુ પાર્ટીના કાર્યાલય આવીને ભગવનભાઈની માફી માંગી અને ભાજપમાં આવો અને મદદ કરો..જો તમને એવી હવા હોય કે હું જીતી જાઉં તો એ હવામાં છો ભાજપના ફાટક એટલા ખુલ્લા નથી. હું આ ખેડૂતોને કહેવા આવ્યો છું કે કોઈ હરાયું ઢોર આપણા ખેતરમાં ન ઘુસી જાય તેનું ધ્યાન રાખજો.

તેમણે વધુમાં જણાવ્યું કે, આપણા બનાસકાંઠામાં પાણીની તંગી હતી અને આજે સિંચાઈમાં નંબર 1 પર છે તે ભાજપના કારણે છે. નર્મદાજીની કૃપા થઈ એટલે આપણું રાજ્ય લીલું છે. હિંદુસ્તાનના ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રીને ઉપવાસ કરવા પડ્યા એવું મેં નથી સાંભળ્યું પણ મોદી સાહેબે ઉપવાસ કર્યા હતા. હમણાં કોંગ્રેસના નેતા જાત્રાએ નીકળ્યા છે તેની ના નથી પણ તમે મેઘા પાટકર સાથે કેવી રીતે ફોટા પડાવો છો. નર્મદાનો ડેમ વર્લ્ડ બેંકના પૈસાથી બનવાનો હતો પણ મેઘા પાટકરના કારણે વર્લ્ડ બેંકે પડતું મૂક્યું.

તેમણે કહ્યું, કોરોનામાં ભારતે જે કામ કર્યું તેવો દુનિયાના કોઈ દેશે નથી કર્યું. આખી દુનિયા માને છે પણ ખાલી 7-8 જાણ નથી માનતા. ચૂંટણી પતે એટલે એમને પણ સમજાવીશું. આપણા આ વિસ્તારમાં બે ડેમ છે, પણ તેમ છતાં પાણી નથી કારણ કે ડેમ નીચા વાસમાં છે અને આ વિસ્તાર ઉપરવાસમાં છે જેથી પાણી મળતું નથી. કેનાલો દ્વારા પાણી આવે તે જરૂરી છે. દિલ્હીથી ગંગા નીકળી છે અને ગાંધીનગરથી ગંગા નીકળી છે ધાનેરામાં... ભગવાનભાઈ જોડે જટા પથરાવો એટલે અહીં પાણી આવે. 

તેમણે કહ્યું, આઝાદી પછી હિંદુસ્તાનની તિજોરીના સીધા પૈસા આપણા ગામમાં પહોંચવા માંડ્યા. યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું આપણા 20 હજાર વિધાર્થીઓ ત્યાં ભણતા હતા તો એ કેવો દેશ હશે. આજે બધું સાફ થઈ ગયું. જો દેશની સુરક્ષા જરૂરી છે. જે મોદી સાહેબ કરી રહ્યા છે. આપણે ત્યાં સર્જિકલ સ્ત્રાઇકના અહીં લોકો પુરાવા માંગે છે આ કોઈ સાતમ આઠમના ગરબા છે કે તમને એના ફોટા આપીએ. એ લોકો રસી લેવાનું ના પાડતા હતા કે આ તો ભાજપની રસી છે. અલ્યા આ કોઈ કમલમમાં બની છે પછી ખબર પડી કે રાશનકાર્ડમાંથી નામ નીકળી જશે એટલે રસી લેવા આવ્યા.

તેમણે કહ્યું, મોદી સાહેબે નૌકાદળમાં એક જહાજ જોડયું જેની કિંમત 20 હજાર કરોડ છે અને તે મેડ ઇન ઇન્ડિયા છે...75 વર્ષથી આપણા નૌકાદળના ધ્વજમાં અંગ્રેજોનું નિશાન ચાલતું હતું. તે મોદી સાહેબે ભૂખી નાખ્યું અને શિવાજી મહારાજની સેનાના ધ્વજનું નિશાન હવે ધ્વજ ઉપર લાગે છે. એક પાર્ટી તો એવી નીકળી છે જે ગાળો જ આપે છે. નરેન્દ્રભાઈ મોદીને ગાળો આપે છે. ગુજરાતમાં આવીને ગાળો દે છે. આપણે એને ગાળો ના જવાબ ગાળોથી ન આપી શકીએ. મતદાન ઉપર ઉમટી પડો તમે કમલના નિશાન ઉપર સિક્કો મારો તો તમને સર્જીકલ જેવો ભાવ આવશે. ઢોલ શરણાઈ લઈને નીકળો અને મતદાન કરો.

(12:40 am IST)