Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ વચ્ચે રાજ્યમાં ઑમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી: રાજ્ય સરકાર હરકતમાં :બેઠકોનો દોર

મુખ્યમંત્રી પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતા મુદ્દે હાઈલેવલ બેઠકમાં સમીક્ષા કરી : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વીડિયો કોન્ફરન્સથી જોડાયા

અમદાવાદ :ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થતા જ ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે. ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ સામે આવવા સાથે જ દેશમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 3 પર પહોંચી ગઈ છે.

ગુજરાતમાં ઓમિક્રૉન વેરિએન્ટનો પ્રથમ કેસ જામનગરમાં સામે આવ્યો છે. જામનગરમાં એક વૃદ્ધનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. તો બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતા મુદ્દે હાઈલેવલ બેઠકમાં સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે ભારત સરકાર દ્વારા ઓમિક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આપી હતી. જેમાં કોવિડ ગાઈડલાઈન્સના પાલનમાં સતર્કતા દાખવીને કોઈ બાંધછોડ ના કરવાની તાકીદ કરવામાં આવી હતી. આ સિવાય રાજ્યમાં 3T ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવાની સૂચના આપવામાં આવી હતી.

જામનગર કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે, ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત શખ્સે કોરોના વિરોધી રસીના બન્ને ડોઝ લીધા હતા. હાલ તો સરકાર તરફથી મળેલી SOP મુજબ દર્દીની દેખરેખ કરવામાં આવી છે. આટલું જ નહીં, તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત દર્દીનું પહેલા ગળું ખરાબ થયું અને પછી ધીમે-ધીમે શરીરમાં નબળાઈ આવવા લાગી. આ શખ્સે ઝિમ્બાબ્વેમાં વૅક્સિનના બન્ને ડોઝ લીધા હોવાનું જાણવા મળ્યું છે. હાલ દર્દીમાં લક્ષણો માઈલ્ડ છે અને તેની હાલત સ્થિર છે. આ ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતા ઝડપથી ફેલાય છે, પરંતુ ખતરનાક નથી. આથી તમામ લોકોએ સાવચેતી રાખવી અને ગભરાવાની જરૂર નથી.

(10:09 pm IST)