Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ગણપત યુનિવર્સિટીનો ૧૫મો પદવીદાન સમારોહ સંપન્ન:મુખ્યમંત્રીના હસ્તે પદવીઘારકોને ડીગ્રી-મેડલ્સ એનાયત

૩,૭૯૨ વિધાર્થીઓ સાથે ૭૮ વિધાર્થીઓને ગોલ્ડ મેડલ સાથે ૨૦ વિધાર્થીઓને પી.એચ.ડી ડિગ્રી એનાયત:તમે પ્રગતિ કરીને કેટલા ઉંચા બનો તે મહત્વનું નથી, તમારા વ્યક્તિત્વની ઉંચાઇ કેટલી છે, તે મહત્વનું છે:જ્ઞાનના પ્રકાશથી સમાજના છેવાડાના વ્યક્તિનું કલ્યાણ થાય, ઉન્નતિ થાય તેવો ભાવ જરૂરી:ગુજરાતનો યુવાન વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી વાત કરવા સજ્જ થાય તેવી ઉત્તમ શૈક્ષણિક સુવિઘા પુરી પાડી છે

અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગણપત યુનિવર્સિટીના ૧૫માં પદવીદાન સમારોહમાં ૩,૭૯૨ યુવા છાત્રોને પદવી અર્પણ તથા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મેડલ્સ પ્રદાન કર્યા હતા.

મુખ્યમંત્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તમારી શક્તિ-નોલેજને સમાજ માટે ઉપયોગ કરશો, તો સમાજ પણ તમને બે હાથ ફેલાવીને આવકારશે.
તમે પ્રગતિ કરીને કેટલા ઉંચા બનો તે મહત્વનું નથી પરંતુ  તમારા વ્યક્તિત્વની ઉંચાઇ કેટલી છે, તે મહત્વનું છે એમ તેમણે યુવા છાત્રોને પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, જે માટીમાં આપણે જન્મ લીધો, મોટા થયા ભણ્યા-ગણ્યા એ ભારત ભૂમિને સમ્રગ વિશ્વમાં પ્રતિષ્ઠા મળે તેવું રાષ્ટ્રહિતનું કામ સૌ વિદ્યાર્થીઓ કરશે તેવો વિશ્વાસ છે.
મુખ્યમંત્રીએ વિધાર્થીઓને કેરીયર બનાવો, પૈસા કમાવો પણ રાષ્ટ્રહિત, રાજ્યહિત અને તમારા જ્ઞાનના પ્રકાશથી સમાજના  છેવાડાના વ્યક્તિનું કલ્યાણ થાય, ઉન્નતિ થાય તેવો ભાવ દિલમાં હમેશાં રાખવાનું આહ્લાન પણ કર્યું હતું.
ઉત્તર ગુજરાતની ધરાના પનોતાપુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્ઞાન શક્તિથી રાષ્ટ્ર નિર્માણનો મંત્ર આપ્યો છે તેમ કહી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આત્મ નિર્ભર ભારત, જ્ઞાન સમૃધ્ધ ભારત, નોલેજ બેઇઝડ ઇકોનોમીમાં ભારતે લીડ લેનારા જગદગરૂ ભારતના પ્રધાનમંત્રીના સપનાને નવ યુવાનો સાકાર કરે તેવું આહવાન કર્યુ હતું.
  મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઇ મોદીએ જ્ઞાન શક્તિ-નોલેજ પાવરમાં આપણો યુવાન વર્લ્ડ કોમ્પીટીટર બને તે માટે ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનની ૯૦ થી વધુ વિવિધ યુનિવર્સીટીઓની સુવિધા આપી છે.
  પદવીદાન સમારંભમાં ડિગ્રી-શિક્ષા—દિશા પ્રાપ્ત કરનાર ૩,૭૯૨ યુવાનોને તેમના સુવર્ણ ભવિષ્ય માટે અભિનંદન પાઠવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો યુવાન વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી વાત કરવા સજ્જ થાય તેવી ઉત્તમ શૈક્ષણિક સુવિઘા આ યુનિવર્સીટીએ પુરી પાડી છે.
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત આપણો સંકલ્પ છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, તમે સૌ એવા સમયે જ્ઞાન-કૌશલ્યથી સજજ થઇને સમાજમાં પદાર્પણ કરી રહ્યા છે, જે સમયે આપણા વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતમાતાને વિશ્વગુરૂ બનવાની દિશામાં પ્રયાણ કરી રહ્યા છીયે. આપણી શક્તિ અને આવડતથી ભારતને જગદગુરૂ અને આત્મનિર્ભર બનાવની દિશામાં બહુ મોટું યોગદાન આપી શકવા યુવાશક્તિ સક્ષમ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
કોઇ વ્યક્તિને નિષ્ઠા, તપસ્યા અને દિર્ધદ્રષ્ટી કેવા પરીણામ આપી શકે છે તેનું ઉત્તમ દષ્ટાંત ગણપત યુનિવર્સીટી છે તેવુ કહી કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ પદવી મેળવનાર સર્વે વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
કેન્દ્રિયમંત્રીએ ઉમેર્યું હતું કે આપણા રાજ્યમાં સરદાર પટેલનું સ્વપ્ન વલ્લભ વિધાનગરના નિર્માણથી સાકાર થયુ છે તેવું બીજુ એક સંકુલ ગણપત યુનિવર્સીટી છે. રાજ્યમાં નર્મદા થકી સિંચાઇની સુવિધામાં વધારો થયો છે જેથી આગામી સમયમાં ગુજરાત રાજ્યની કૃષિ ઉત્પાદન શક્તિમાં આઠ ટકાથી વધુ વધારો થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
  નેનો ટેકનોલોજીની વિસ્તૃત વાત પોતોની આગવી શૈલીમાં કરતાં કેન્દ્રિયમંત્રીએ ઉમેર્યું હતું કે કૃષિક્ષેત્રે યુરિયા ખાતરનું નેનો ટેકનોલોજીથી નિર્માણ કરનાર ભારત પ્રથમ દેશ બનશે. ગુજરાત અમુલ ડેરી જેવી સંસ્થાના કારણે દુધ ક્ષેત્રે વિશ્વમાં નેતૃત્વ કરી રહ્યું છે. શિક્ષણક્ષેત્રે ટેકનોલોજી અનુંસાર ફેરફાર પણ જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જ્ઞાન શક્તિ સાથે સેવાની ભાવના સાથે કામ કરવા જણાવ્યું હતું. નવી દિશા, નવી ઉડાનની દિશામાં કામ કરવા તેમણે અપીલ કરી હતી.
મંત્રી રાઘવજીભાઇએ જણાવ્યું હતું કે પોતોના વતન પ્રેમ અને બાળકોને ઉત્તમ શિક્ષણની સુવિધા મળી રહે તેવો ઉમદા ભાવ ગણપતભાઇ પટેલ જેવા સમાજ શ્રેષ્ઠીગણમાં છે. તેમને આ યુનિમાં શિક્ષણની તક મળી છે જે માટે અભિનંદન પાઠવી યુવાનોને નવી ઉત્સાહ સાથે આગળ વધવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે યુવાનોએ સ્વામિ વિવેકાનંદના વિચારો સાથે આગળ આવવા અપીલ કરી હતી.
  ગણપત યુનિવર્સીટીના વડા અને મુખ્યદાતા ગણપતભાઇ પટેલે જણાવ્યું હતું કે આ સરકારના શાસનમાં ખુબ ઝડપી કામ થઇ રહ્યા છે.આ સંસ્થાને નર્સિંગ અને કૃષિ અભ્યાસક્રમ માટેની મંજુરી  માત્ર દશ દિવસમાંજ સરકારે આપી છે.ગુડ ગર્વનસની છબી આ સરકારે મારા મનમાં ઉભી કરી છે.જેટલી ઝડપી મંજુરી મળી છે તેટલા ઝડપી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર ગણપત યુનિવર્સીટીમાંજ 5 જી પ્રોજેક્ટના સંશોધનની મંજુરી સમગ્ર દેશમાં આ યુનિવર્સીટને મળી છે જેનું ગૌરવ છે
  ડિગ્રી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર સર્વે વિધાર્થીઓને અભિંદન પાઠવી તેમણે જણાવ્યું હતું કે આપનામાં રહેવા જ્ઞાનનો ઉપયોગ સમાજના ઉત્કર્ષ અને   વિકાસ માટે કરજો. જીવનમાં જ્ઞાન સાથે એક સારા વ્યક્તિત્વની છાપ ઉભી કરી મનમાં હમેશાં સંવેદના રાખવા જણાવ્યું હતું.
ગણપત યુનિ.ના આ ૧૫માં પદવીદાન સમારંભમાં કુલ ૩,૭૯૨ વિદ્યાર્થીઓ વિવિધ જ્ઞાન-શાખાઓમાંથી પોતાનો અભ્યાસક્રમ પૂરો કરી ડિગ્રીઓ મેળવી હતી. જેમાં ૨,૬૮૪ વિદ્યાર્થીઓનો અને ૧૧૦૪ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.
આ અવસરે તમામ જ્ઞાન-શાખાઓમાં શ્રેષ્ઠતા હાંસલ કરી પોતાનું સ્થાન અગ્રણી વિદ્યાર્થી તરીકે સ્થાપિત કરનારા ૭૮ જેટલાં વિદ્યાર્થીઓને “ગોલ્ડ મેડલ” એનાયત કરાયા હતા, જેમાં ૩૭ જેટલી વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ સમાવેશ થાય છે.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ગણપત યુનિવર્સિટીના પેટ્રન-ઈન-ચિફ તેમજ પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, ધારાસભ્ય સર્વે રમણભાઇ પટેલ, કરશનભાઇ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર, યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ અને પ્રો ચાન્સેલર પ્રો.ડૉ. મહેન્દ્ર શર્મા સહિત આમંત્રિત મહાનુભાવો, ટ્રસ્ટીઓ, વિવિધ શાળા-કોલેજના આચાર્યશ્રીઓ, ફેકલ્ટી-ડીન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ્સ, ફેકલ્ટી-મેમ્બર્સ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:49 pm IST)