Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ના પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ સર્તક:ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીએ થ્રી ટી ટ્રેસિંગ-ટેસ્ટીંગ-ટ્રીટમેન્ટની વ્યૂહરચનાથી કાર્યરત થવા આરોગ્ય વિભાગને માર્ગદર્શન અને સૂચનાઓ આપી

નવા વેરિએન્ટ સામે રાજ્ય સરકાર ની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી :ભારત સરકારની નવી ગાઇડલાઇન્સનું રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવા મુખ્યમંત્રીની તાકીદ : 11 હાઇ રીસ્ક દેશો ઉપરાંત યુરોપના તમામ એટ રિસ્ક દેશો-અન્ય નોટ એટ રિસ્ક દેશોમાંથી ગુજરાત આવતા તમામ યાત્રી-મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવે છે: ૧ લી ડિસેમ્બરથી અત્યાર સુધી ૪પ૦૦ થી વધુ વ્યક્તિઓનું સ્કીનીંગ થયું

ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જામનગરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાના સંદર્ભે રાજ્યના વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની તાકીદની ઉચ્ચસ્તરીય બેઠક યોજીને તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી.
આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ કોરોનાના આ નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ના સંદર્ભમાં ભારત સરકારે જારી કરેલી માર્ગદર્શિકા-ગાઇડ લાઇન્સનો રાજ્યમાં કોઇ જ બાંધછોડ વિના ચુસ્તપણે અમલ કરવા સ્પષ્ટ સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.
તેમણે રાજ્યમાં થ્રી ટી-એટલે કે ટ્રેસિંગ, ટેસ્ટીંગ અને પોઝિટીવ કેસોમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સઘનપણે અપનાવવા આરોગ્યતંત્રને માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી.
 ભુપેન્દ્રભાઈ પટેલે સૌ નાગરિકોને પણ આ નવા વેરિએન્ટ સામે સાવચેતી, સલામતિ અને સતર્કતા માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનો ઉપયોગ અને સેનેટાઇઝરના ઉપયોગ માટે અપિલ કરી છે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ  મનોજ અગ્રવાલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને અન્ય વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
આરોગ્ય અધિક મુખ્ય સચિવએ આ બેઠકમાં મુખ્યમંત્રીને વધુ વિગતે માહિતગાર કરતાં જણાવ્યું કે,વિશ્વમાં કોવિડ-19 ના અલગ પ્રકારના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ને પગલે ભારત સરકારની સૂચના મુજબ તમામ એરપોર્ટ પર સ્ક્રીનીંગ અને ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવાઇ છે.
તેમણે ઉમેર્યુ કે, ૧૧ હાઇ રિસ્ક દેશોમાંથી આવતા તેમજ યુરોપના તમામ દેશો જે એટ રિસ્ક છે અને બાકીના દેશો નોટ એટ રિસ્ક છે તે દેશોમાંથી આવતા તમામ યાત્રી-મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવે છે.
તા.૧ લી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં આવા દેશોમાંથી આવેલા ૪પ૦૦ થી વધુ વ્યક્તિઓ, યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાયું છે.  
આરોગ્ય અધિક મુખ્ય સચિવએ જામનગરમાં મળી આવેલા પ્રથમ કેસ અંગેની વિગતો આપતાં બેઠકમાં જણાવ્યું કે, ૭ર વર્ષીય પુરૂષ ઝિમ્બાવેથી તા. ર૮ નવેમ્બરે જામનગર આવેલા છે.
તેમને કોવિડ-19 ના લક્ષણો જણાતાં તા. ૩૦ નવેમ્બરે તેમનો આર.ટી.પી.સી.આર ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ પોઝિટીવ સેમ્પલ જિનોન સિકવન્સ માટે મોકલવામાં આવતા તેમાં ‘એમિક્રોન’ પોઝિટીવ આવ્યો છે.
  અગ્રવાલે ઉમેર્યુ કે, આ દર્દીને હાલ જામનગરમાં અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવેલા છે.

(6:53 pm IST)