Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ગાંધીનગર નજીક ચાલતી બાંધકામ સાઈટના કોન્ટ્રાકટરે સગીરા પર બળાત્કાર ગુજારતા અરેરાટી મચી જવા પામી

 ગાંધીનગર:શહેર નજીક આવેલા ગામમાં રહેતી સગીરાને નજીકમાં જ ચાલતી બાંધકામ સાઈટના કોન્ટ્રાકટરે બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધાની ઘટના બહાર આવી છે. ગુમસુમ રહેતી સગીરાને માતાએ કારણ પુછતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલ તો સગીરાના પિતાની ફરીયાદના આધારે ઈન્ફોસીટી પોલીસે આરોપી કોન્ટ્રાકટર સામે બળાત્કાર અને પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.  

સમાજમાં હાલ નાની બાળકીઓ ઉપર બળાત્કારની ઘટનાઓ વધી રહી છે તો સગીરાઓને લલચાવી ફોસલાવી તેમની મરજી વિરૃધ્ધ દુષ્કર્મની ઘટનાઓએ પણ માથું ઉંચકયું છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા ગામમાં રહેતી સગીરાને બાંધકામ સાઈટના કોન્ટ્રાકટરે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગામ નજીક ચાલતી બાંધકામ સાઈટ ઉપર કોન્ટ્રાકટર આવતો હતો જે શ્રમજીવી પરિવારના સભ્યોને મજુરી અર્થે લઈ જતો હતો. આ કોન્ટ્રાકટરે પરિવારમાં રહેલી ૧૩ વર્ષની સગીરા ઉપર નજર બગાડી હતી અને અવારનવાર તેની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા થોડા દિવસોથી સગીરા ગુમસુમ રહેવા લાગી હતી. જેના પગલે તેની માતાએ સગીરાને પુછપરછ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. સગીરાનું મેડીકલ કરાવતાં તે ગર્ભવતી હોવાનું બહાર આવતાં પરિવારના માથે આભ ફાટયા જેવી સ્થિતિ થઈ હતી. હાલ તો સગીરાના પિતાની ફરીયાદના આધારે ઈન્ફોસીટી પોલીસે આરોપી કોન્ટ્રાકટર સામે બળાત્કાર અને પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.  

(5:28 pm IST)