Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વંશવેલો વધારવા એક પરિવાર એટલો ગાંડો થયો કે તેમણે વહુ સાથે ખરાબ હરકત કરીઃ વંશવેલો વધારવા માટે સાસરીવાળાઓએ વહુને જબરદસ્તી ટેસ્ટ ટ્યુબ કરાવીને ગર્ભ ધારણ કરાવ્યો હતો

પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેથી તે બે-ત્રણ મહિને એકવાર ઘરે આવે છે, તે મારી સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખતો નથી, તેથી મારા સસરા ઘરમાં મારી છેડતી કરતા હતા. એકલતામાં તેઓ મને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતા હતાઃ વહુનો આક્ષેપ

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર પારિવારિક સંબંધોની હત્યા કરતો કિસ્સો સામે આવ્યો છે. લોકો સંબંધોમાં પોતાની મર્યાદા ઓળંગી રહ્યા છે. પાટણનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વંશવેલો વધારવા એક પરિવાર એટલો ગાંડો થયો કે તેમણે વહુ સાથે ખરાબ હરકત કરી હતી. વંશવેલો વધારવા માટે સાસરીવાળાઓએ વહુને જબરદસ્તી ટેસ્ટ ટ્યુબ કરાવીને ગર્ભ ધારણ કરાવ્યો હતો.

ગુજરાતના અનેક ગામડાઓમાં આજે પણ સાટા પદ્ધતિથી લગ્ન થાય છે. સમી તાલુકના સોનાર ગામની યુવતીના લગ્ન શંખેશ્વરના યુવક સાથે વર્ષ 2013 માં થયા હતા. યુવક પહેલેથી જ શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હતો. તેથી લગ્નના 8 વર્ષમાં તેણે એકપણ વાર પરિણીતા સાથે સંબંધ બાંધ્યો ન હતો. પરંતુ યુવકના પરિવારને તેમનો વંશવેલો વધારવાની ઘેલછા હતી, આ માટે તેમણે વહુને સસરા સાથે સંબંધ બાંધવા દબાણ કર્યુ હતું. જેથી વહુ ચિંતામાં મૂકાઈ હતી. તેના સસરા હંમેશા તેની છેડતી કરતા હતા. પુત્રવધુએ સસરા સાથે સંબંધ રાખવા ના પાડી દીધી હતી. પરંતુ સાસરીવાળાઓએ તેને સંતાન માટે વધુ દબાણ કર્યુ હતું અને તેને સસરા થકી ટેસ્ટ ટ્યુબ ગર્ભ ધારણ કરવા દબાણ કર્યું હતું. આખરે દબાણવશ થયેલી મહિલાએ હા પાડી હતી.

મહિલાનો આરોપ, સસરા છેડતી કરે છે

મહિલાએ પોતાની ફરિયાદમાં લખાવ્યું કે, તેનો પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેથી તે બે-ત્રણ મહિને એકવાર ઘરે આવે છે. તે મારી સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખતો નથી. તેથી મારા સસરા ઘરમાં મારી છેડતી કરતા હતા. એકલતામાં તેઓ મને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતા હતા.

ગર્ભ બાદ મહિલાનો સીમંત પ્રસંગ પણ આયોજિત કરાયો હતો. જેના એક દિવસ પહેલા સાસરીવાળાઓએ દહેજની માંગ કરી હતી. પિયરવાળાની મિલકતનો પેટ્રોલ પંપ પોતાના નામે લખાવવા દબાણ કર્યુ હતું. જેથી સીમંત બાદ પિયર ગયેલી મહિલાએ બાદમાં પિયરવાળાઓને તમામ હકીકત જણાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે સાસરી પક્ષના ચાર ઈસમ સામે ફોજદારી કલમ 154 હેઠળ IPC 498A, 354A, 506( 2), 114 તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી છે. મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ટેસ્ટ ટ્યૂબ માટે તેને ફરજ પડાઈ હતી, જોકે એના માટે ઉપયોગમાં લેવાયેલા વીર્ય તેના પતિનું નહોતું, પરંતુ કોનું હતું એ તેને ખબર નથી.

તો બીજી તરફ, મહિલાની નણંદે પણ તેના સાસરીવાળા એટલે કે મહિલાના પરિવાર પર ફરિયાદ કરી છે. મહિલાની નણંદના લગ્ન તેના ભાઈ સાથે થયા હતા. પરંતુ તેના ભાઈ અને પિતાનું મૃત્યુ થયુ છે. પરિવારના બે પેટ્રોલપંપ છે. જેનો વહીવટ મહિલાની નણઁદ એટલે કે તેની ભાભી સંભાળે છે. તેથી તેની ભાભીએ પણ તેના સાસરીવાળાઓ પર માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આમ, સાટા પદ્ધતિથી પરિણેલી બંને મહિલાઓએ એકબીજાના સાસરી પર ત્રાસ આપ્યાનો આરોપ લગાવ્યો છે.

(5:02 pm IST)