Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કોંગ્રેસના નવનિયુકત અધ્યક્ષ માટે યહ રાહ નહીં આસાન

જગદીશભાઇએ ૧ વર્ષથી ઓછા સમયમાં સંગઠન ઉભુ કરવુ પડશે : બીજા પણ અનેક પડકારો

અમદાવાદ, તા. ૪ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક વર્ષ જેટલો જ સમય બાકી છે, ત્યારે કોંગ્રેસના નવનિયુકત અધ્યક્ષ જગદીશભાઇ ઠાકોર માટે પાર્ટીને રાજયમાં મજબુતી દેવી ચૂંટણી પહેલા પડકાર રૂપ બની રહેશે.  કોંગ્રેસ ગુજરાતમાં લગભગ અઢી દાયકાથી વધુ સમયથી સતાથી દૂર છે.

પાટીદાર આંદોલન અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં સારા પ્રદર્શન સાથે ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૭૭ બેઠકો મેળવી ભાજપને સારી ટકકર આપી હતી. જો કે ત્યાર બાદ કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપમાં જોડાઇ ગયા હતા. ર૦૧૮ ધારાસભા પેટા ચૂંટણી, ર૦૧૯માં લોકસભા ઇલેકશન અને આ વર્ષે મહાનગરપાલીકા, નગરપાલીકા સહિતની સ્થાનીક ચૂંટણીઓમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે.

હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી જેવા યુવા નેતાઓ દ્વારા કોંગ્રેસ યુવા મતદાતાઓ વચ્ચે કઇ રીતે અપીલ કરવાની રણનીતી બનાવે છે તે પણ જોવું રહ્યું. જગદીશભાઇ ઓબીસી ઉપર નજર રાખી શકે છે. કોગ્રેસનું સંગઠન ભાજપની સરખામણીએ મજબૂત દેખાતુ નથી.

જયાં ભાજપ પેજ સમિતિનો પ્રયોગ કરી બુથ સ્તર સુધી પોતાને મજબુત કર્યુ છે, ત્યારે એ પણ જોવું રહ્યું કે કાર્યકરોની નિરાશા-હતાશા વચ્ચે કોંગ્રેસ તેમના ઉત્સાહ તથા જોશને કઇ રીતે બરકરાર રાખે છે. નેતૃત્વના સંકટથી જજુમી રહેલ પ્રદેશ કોંગ્રેસને લગભગ ૯-૧૦ મહિના બાદ નવા પ્રમુખ મળ્યા છે. તેવામાં ઠાકોરની નિયુકતી કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકે છે કે નહીં તેના ઉપર બધાની નજરે રહેશે.

(1:06 pm IST)