Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

અલવિદા... હસમુખ શાહ : પ્રાધ્યાપકથી લઇ મોરારજી દેસાઇ સાથેની સફર

આઇએએસ ન હતા છતાં પણ વડાપ્રધાનના સહસચિવ તરીકે પસંદ થયા હતા : પર્યાવરણ સંવર્ધન માટે કેટલીક સંસ્થાઓની સ્થાપના પણ કરી હતી

પૂર્વે સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક અને પછી વડાપ્રધાન મોરારજી દેસાઈના સહસચિવ તરીકે વડાપ્રધાન કાર્યાલયમાં જોડાયેલા હસમુખભાઈ શાહનું ત્રીજી ડિસેમ્બર ૨૦૨૧ સવારે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે અવસાન થયું. કોવિડ-૧૯ રસીના બન્ને ડોઝ મેળવ્યા પછી તેઓ ૧૨મી નવેમ્બરે કોવિડ પોઝિટિવ થયા. કરમસદમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ ૮૮ વર્ષના હતા.

સક્રિય વ્યવસાયી કારકિર્દી પછી વડોદરા રહેતા હતા. એક ક્રમમાં નિવૃત્ત હતા પણ પ્રવૃત્ત રહેતા હતા. તેમની પ્રવૃત્તિનો વ્યાપ વિશાળ હતો. વાંચન, લેખન, સામાજિક બાબતોનું સંશોધન, એ ક્રમમાં થતા નવા સંશોધનો પર નજર, સાહિત્યિક પ્રવૃત્તિઓ અને એ ક્રમમાં કામ કરતી સંસ્થાઓ સાથે નિસબતી હોય એવું જોડાણ.

ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ ૧૯૫૭થી ૧૯૬૩ સુધી સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. એ સમયગાળામાં અને પછી પણ મહાત્મા ગાંધીના લખાણો, વકતવ્યોના શોધ-સંશોધન સાથે જોડાયેલા રહ્યા. આ જોડાણ તેમને વડાપ્રધાન કાર્યાલય સુધી લઈ ગયું.

વડાપ્રધાન ગુજરાતી છે એવા કોઈ ખ્યાલો મારી-તમારી આસપાસ કે અમલમાં નહોતા ત્યારે મોરારજી રણછોડજી દેસાઈ ૧૯૭૭માં વડાપ્રધાન થયા. હસમુખભાઈ સનદી સેવામાં / IAS નહોતા તોય વડાપ્રધાનના સહસચિવ તરીકે પસંદ થયા. મોરારજીકાકાએ સીધું તેમને PMOમાં જોડાવાનું આમંત્રણ જ મોકલાવ્યું.

મોરારજી દેસાઈ પછી ચરણસિંહ અને ઇન્દિરા ગાંધીના સમયમાં પણ વડાપ્રધાન કાર્યાલય સાથે જોડાયેલા રહ્યા. એ પછી ભારત સરકાર હસ્તકના એકમ ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ, વડોદરાના ચેરમેન થયા. તેમના કાર્યકાળ પછી IPCL ખાનગી માલિકીની કંપની બની.

હસમુખભાઈ શાહે પર્યાવરણ સંવર્ધન માટે ગુજરાત ઇકોલોજી કમિશન સહિતની કેટલીક સંસ્થાઓની સ્થાપના કરી હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન / NID, આઈઆઈટી મુંબઈ / IIT Mumbai અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ / IRMA ના ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર હતા.

ગુજરાતમાં તેઓ શિક્ષણ સંસ્થાઓ લોકભારતી સણોસરા અને સુરેન્દ્રનગર એજયુકેશન સોસાઇટી સાથે જોડાયેલા હતા. રકતપિતના દર્દીઓની સેવા કરતા સીંધરોટ-વડોદરાના શ્રમ મંદીર ટ્રસ્ટ તેમજ ચારૂતર આરોગ્ય મંડળના પ્રમુખ હતા. આ ચારૂતર આરોગ્ય મંડળની કરમસદ હોસ્પિટલમાં જ તેમની અંતિમ સમયની સારવાર થઈ.

ગુજરાતના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી રહી ચુકેલા લેખક-વિચારક મનુભાઈ પંચોળીની સ્મૃતિમાં પ્રારંભાયેલા ઉપક્રમ 'દર્શક ઇતિહાસ નિધિ' સાથે તેમને જોડવામાં પ્રકાશ ન. શાહ અને રઘુવીર ચૌધરી નિમિત્ત્। બન્યા. એ જોડાણથી ગુજરાતને, ગુજરાતી ભાષાને બે લાભ થયા. એક તે ગુજરાતના દરિયાકાંઠાનો ઇતિહાસ લખાય, એ દિશામાં સંશોધન થાય, ચર્ચા-વિચારણા થાય એ માટે તેમણે કેટલીક યોજનાઓને નાણાકીય સહાય પુરી પાડી.

બીજો લાભ તે હસમુખભાઈ શાહે તેમના સંસ્મરણોનું પુસ્તક ગુજરાતીમાં લખ્યું. ૨૦૧૪માં પ્રકાશિત થયેલા પુસ્તકનું નામ 'દીઠું મેં' અને પ્રકાશક રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ. રંગદ્વાર પ્રકાશનના કર્તાહર્તા રઘુવીરભાઈ ચૌધરી અને ગૂર્જર પ્રકાશનના મનુભાઈ શાહને તેમણે બેંકમાં આપી હોય એવી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રકશન આપી રાખી હતી કે સાહિત્ય, સંશોધન, પર્યાવરણ, જૂના દુર્લભ પુસ્તકોના પુનઃપ્રકાશનની યોજના જેવા કોઈ પણ કામ માટે મારું નામ તમારે ગણી જ લેવાનું...મને પુછવાની પણ જરૂર નહીં. એ દિશામાં ઘણા કામ થયા. એ કામ કરનારા, કરી જાણનારાઓને એક પ્લેટફોર્મ પર ભેગાં કરવામાં તેઓ જાણે-અજાણે નિમિત્ત્। બનતા ગયા. ગુજરાતમાંથી પ્રકાશિત થતા કેટલાક સામયિકોને પણ તેઓ આર્થિક રીતે સહાયરૂપ બનતા.

આ ઉપર મેં 'નાણાકીય સહાય પુરી પાડી' કે 'આર્થિક સહાયરૂપ બનતા'એમ લખ્યું એ તેમની ઓળખનો એક એવો હિસ્સો છે જેને તેમણે પોતે કદી તેમના નામની આગળ-પાછળ મુકી નહીં. એમ કરે તો એ હસમુખ શાહ નહીં. બધું ચુપચાપ કરતા રહ્યા. બેમાંથી કોઈ એક જ હાથને જાણ થાય એ રીતે. છેવટ સુધી...૨૦૨૧ સુધી એમ જ કર્યું. એમણે શરૂ કરેલા ઉપક્રમો તેમની વિદાય પછી પણ ચાલુ રહે એવી વ્યવસ્થાની દરકાર પણ તેમણે પોતે જ રાખી છે. ગ્રેટ કહેવાય નહીં. અરે ભાઈ, માણસ જ ગ્રેટ હતા.

તેમની સાથેના બે અંગત સંસ્મરણો છે

૨૦૦૨ થી ૨૦૦૬ દરમિયાન 'આરપાર'સાપ્તાહિકમાં કામ કરતો હતો. એ સમયે અમૂલ ડેરી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ / NDDB તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ / IRMA સહિતની સંસ્થાઓ વ્યાપકપણે વિવાદોમાં આવી હતી. રોજેરોજ નવી વિગતો આવે. આ દરેક સંસ્થાઓને તેમના પ્રવકતા હતા એટલે લખવા માટે વિષય સમજવો અઘરો થઈ પડે તેમ હતો. એવે સમયે તેઓ મદદે આવ્યા. સમગ્ર અહેવાલ ઉર્વીશ કોઠારીએ લખવાનો હતો પણ તેમનો મત જાણવો જરૂરી હતો. કેટલીક વિગતો તેમની પાસે જ સમજવી પડે એમ હતી.

એ સમયે હસમુખભાઈ નવી દિલ્લીના પ્રવાસે હતા. ઇનકમિંગ મોબાઇલનું પણ તગડું બિલ આવે એ દિવસોમાં તેમણે અગત્યની મિટીંગો વચ્ચે ટુકડે-ટુકડે દોઢેક કલાક મોબાઇલ ફોન રણકાવીને અમને માહિતગાર કર્યા, વિષયની સમજણ આપવાનું કામ કર્યું. વડાપ્રધાનના અંગત અને રહસ્ય સચિવપદે રહી ચુકેલી વ્યકિત અમારા માટે આમ કરે તે માન્યામાં ન આવે એવું. પણ એ હસમુખ શાહ હતા.

પોસ્ટ સાથેનો તેમનો આ ફોટો મેં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના મેઘાણી પ્રાંગણમાં પાડ્યો હતો. સોમવાર ૩૦ ડિસેમ્બર ૨૦૧૩. તેઓ કોઈ કાર્યક્રમ નિમિત્તિ જ આવ્યા હતા. વડોદરા પરત જવાની તૈયારી કરતા હતા. મેં જૂની ફોન વાતચીતનો ઉલ્લેખ કરીને ફોટા માટે વિનંતી કરી. મને કહે, આપણે વાતો કરીએ બાકી ફોટો પાડવાનું રહેવા દો. ફોટો પાડીને શું કરશો, હું કોઈ હીરો તો છું નહીં.

હસમુખભાઈ, તમે હીરો જ છો. મારા જેવા અનેકોને માટે તમારી કારકિર્દી અને સામાજિક નિસબત હીરો તો શું કોહિનૂરથી પણ કમ નથી.

તેમના પરિવારમાં જીવનસાથી નીલાબહેન, પુત્ર અમલન શાહ અને પુત્રી અલ્પના પરીદા છે. અલવિદા હસમુખભાઈ... (૨૧.૭)

: સ્મરણાંજલિ :

બિનીત મોદી

જાણીતા કટાર લેખક

અમદાવાદ

મો. ૯૮૨૪૬ ૫૬૯૭૯

(11:20 am IST)