Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

દુકાન અને ગલ્લાની આડમાં ગાંજાનો વેપાર ઝડપાયો

ઓડિશાથી ગાંજાનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો : લસકાના ડાયમંડ નગર ખાતેથી શહેર SOG દ્વારા કિશોર જસાણી, અહલ્યા શાહુની ધરપકડ કરવામાં આવી છે

સુરત,તા.૩ : સુરતમાં કરિયાણા દુકાન અને પાનના ગલ્લાની આડમાં ગાંજાનો વેપાર થતો હોવાની ઘટના સામે આવી છે. શહેર એસઓજી દ્વારા આ મામલે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતમાં સેન્ટ્રલ બસ સ્ટેશન નજીકથી ૪.૮૬ લાખની કિંમતનો ગાંજા સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ગાંજાનો જથ્થો મંગાવનાર કરિયાણાનાં વેપારી સહિત મેસ અને પાનનો ગલ્લો ચલાવતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. લસકાના ડાયમંડ નગર ખાતેથી શહેર એસઓજી દ્વારા કિશોર જસાણી અને અહલ્યા શાહુની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ઓડિશાથી કાલિયા ઉર્ફે રામ નામના શખ્સ પાસેથી ગાંજાનો મોટો જથ્થો મંગાવતા હતા. કાલિયા ઉર્ફે રામ નામનો શખ્સ મહિલાઓનો ઉપયોગ કરી ઓડિશાથી ગાંજાની હેરાફેરી કરતો હતો. ત્યારબાદ ગાંજાનો મોટો જથ્થો કરિયાણા વેપારી કિશોર જસાણી સહિત મેસ સંચાલક અને પાનનો ગલ્લો ચલાવતી અહલ્યા શાહુને પોહચાડતો હતો.

            લસકાના ડાયમંડ નગર ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓડિશાવાસીઓ કામ કરતા હોય ,તેવા લોકોને ગાંજાનું વેચાણ કરાતું હતું. પોલીસને આ અંગે કંઇ જાણ ન થાય તે માટે ગાંજો કરિયાણા અને મેસ સહિત પાનનાં ગલ્લા પરથી ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું સુરતમાં ગાંજા,ડ્રગ્સ સહિત અફીન જેવા માદક પદાર્થોનું બંધ બારણે વેચાણ થઇ રહ્યું છે. શહેર એસઓજીએ હાથ ધારેલા ઓપરેશન દરમિયાન આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. તેમજ આ તપાસમાં અન્ય માથાઓના નામો ખુલવાની પણ શકયતા છે.

(8:46 pm IST)