Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં સમયસર લેવા અંગે શંકા

શાળાઓ ખૂલવાના ઠેકાણાં નથી ને પરીક્ષાની વેતરણ : ફોર્મ ભરવામાં દોઢ માસ જાય અને એ પછી તૈયારી શરૂ થતી હોઈ કોરોનામાં પરીક્ષાનું સમયસર આયોજન મુશ્કેલ

અમદાવાદ, તા. ૩ : કોરોનાને કારણે એક તરફ સ્કૂલો ક્યારથી ખૂલશે તેના કોઈ ઠેકાણા નથી ત્યારે આ વખતે બોર્ડની પરીક્ષા પણ મોડી લેવાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા દર વર્ષે નવેમ્બર મહિનાથી જ શરુ થઈ જતી હોય છે. જોકે, આ વખતે ડિસેમ્બર શરુ થઈ ગયો હોવા છતાં તેના કોઈ ઠેકાણા નથી. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવામાં ખાસ્સો દોઢેક મહિના જેટલો સમય જતો હોય છે. આ કાર્યવાહી પૂરી થયા બાદ બીજી તૈયારીઓ શરુ થાય છે, અને આખરે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાય છે. જોકે, આ વખતે શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જ ખોરવાઈ ગયું છે, ત્યારે બોર્ડની પરીક્ષા પણ માર્ચ મહિનામાં યોજાશે કે કેમ તે એક સવાલ છે.

માર્ચ મહિનાથી સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓ જેમતેમ કરીને ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે. જોકે, તેમાં પણ અનેક પ્રશ્નો છે, ત્યારે સરકારે આ વખતે અભ્યાસક્રમમાં ઘટાડાની પણ જાહેરાત કરી છે. તેવામાં જાણકારોનું માનીએ તો, આ વખતે બોર્ડની પરીક્ષા માર્ચને બદલે મે મહિનાની આસપાસ લેવાય તેવી શક્યતા છે. જોકે, સરકાર આ મામલે હાલ સત્તાવાર રીતે કશુંય બોલવા માટે તૈયાર નથી.

દિવાળી પહેલા ગુજરાત સરકાર વેકેશન પૂર્ણ થતાં જ સ્કૂલો આંશિક રીતે શરુ કરવાની પૂરી તૈયારી કરીને બેઠી હતી. વાલીઓના જોરદાર વિરોધ વચ્ચે પણ સ્કૂલો ખોલવા માટે સરકાર મક્કમ હતી. પરંતુ કોરોનાના કેસોનો દિવાળી બાદ વિસ્ફોટ થતાં સરકારને પોતાનો નિર્ણય પડતો મૂકવાની ફરજ પડી હતી.

આ વર્ષે સ્કૂલો ખૂલશે કે કેમ તેવી અટકળો વચ્ચે થોડા દિવસ પહેલા જ એવા અહેવાલ આવ્યા હતા કે સરકાર ધોરણ ૧૦-૧૨ સિવાયના વર્ગોના વિદ્યાર્થીઓને ફરી માસ પ્રમોશન આપી શકે છે. જોકે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે હાલ સરકારની માસ પ્રમોશન આપવાની કોઈ વિચારણા નથી. સરકારે હજુ સુધી સ્કૂલો ખોલવા અંગે નવી કોઈ સૂચના બહાર નતી પાડી ત્યારે ઘણા વાલીઓ આ વર્ષે બાળકોને સ્કૂલે ના મોકલવા માટે મક્કમ છે.

ગુજરાતમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ કરી દેવાઈ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં સરકારે ધોરણ ૧૦ અને ૧૨ને બાદ કરતા તમામ વર્ગોના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા હતા. દિવાળી પછી સ્કૂલો ખૂલશે તેવી શક્યતા પણ હતી, પરંતુ કોરોનાના વધતા કેસોએ તેના પર પાણી ફેરવી દીધું છે.

જાણકારોનું માનીએ તો, આ વર્ષે સ્કૂલો જો ખૂલી જાય તો પણ સ્ટૂડન્ટ્સને આવવાની ફરજ પાડવામાં નહીં આવે, અને માતાપિતાની સહમતીથી જે સ્ટૂડન્ટ્સ સ્કૂલે આવવા માગતા હોય તેમને જ પરમિશન અપાશે. વળી, સ્કૂલો કોરોનાના કેસોમાં મોટો ઘટાડો ના થાય ત્યાં સુધી પૂર્ણ ક્ષમતાએ ચલાવવી શક્ય ના હોવાથી દરેક વર્ગના વિદ્યાર્થીઓ સ્કૂલે આવી શકશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થશે.

આ વર્ષે દરેક સ્કૂલો ઓનલાઈન એજ્યુકેશન આપી રહી છે, અને ઘણી સ્કૂલોએ તોઓનલાઈન પરીક્ષા પણ લઈ લીધી છે. બીજી તરફ, જે વિદ્યાર્થીઓના ઘરે સ્માર્ટફોન કે લેપટોપની વ્યવસ્થા નથી તેમને ઓનલાઈન શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.

(9:05 pm IST)