Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

જીવતાં દર્દીને મૃત જાહેર કર્યા બાદ હોસ્પિટલે ફેરવી તોડ્યું

કોરોના કાળમાં સિવિલમાં છબરડાં બહાર આવ્યા : ૮૩ વર્ષની વૃધ્ધાના પરિવારને મોતની જાણ કર્યાના પોણા કલાક બાદ હોસ્પિટલે વૃધ્ધા જીવતા હોવાની જાણ કરી

અમદાવાદ, તા. ૩ : શહેરમાં કોરોના મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલના એક પછી એક છબરડા સામે આવી રહ્યા છે. તાજેતરમાં ફરી એકવાર સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલે દર્દી જીવતાં હોવા છતાં તેમને મૃત જાહેર કરી દીધા હતા. સાબરમતી વિસ્તારમાં રહેતાં ૮૫ વર્ષના વૃદ્ધા મેડિસિટીમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે શનિવારે સવારે આ પરિવારને હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે, તમારા સગાંનું મોત થયું છે. આઘાત વચ્ચે પરિવારે સગાંઓને વૃદ્ધાનાં મોતની જાણ કરી દીધી હતી અને ઠાઠડી સહિત અંતિમ વિધિનો સામાન પણ ખરીદી લીધો હતો, અલબત્ત, પોણો કલાક પછી હોસ્પિટલમાંથી ફરી ફોન આવ્યો કે, તમારા દર્દી નહીં આવા જ નામ વાળા બીજા દર્દીનું મોત થયું છે. કેન્સર હોસ્પિટલના આ પ્રકારના ભોપાળાને લઈ પરિવારજનો ચકરાવે ચઢયા હતા, કેન્સર હોસ્પિટલમાં કોરોનાના પહેલાં રાઉન્ડમાં પણ આ પ્રકારની ઘટના બની હતી.

સૂત્રો કહે છે કે, સાબરમતી જવાહર ચોક નજીક રહેતાં ૮૫ વર્ષના વૃદ્ધાની તબિયત શુક્રવારે ખરાબ થઈ હતી, સાંજના અરસામાં તેમને સિવિલમાં લઈ જવાયા હતા, સિવિલની કેન્સર હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા, દરમિયાન બીજા દિવસે એટલે કે શનિવારે સવારના અરસામાં આ પરિવારને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે, તમારા સગાંનું મોત થયું છે. ઘરના મોભીનું અવસાન થયાની વાત સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

આ પરિવારે વૃધ્ધાના અવસાનના સમાચારની જાણ પરિવારજનોને કરી હતી,એટલું જ નહીં પરંતુ અંતિમ વિધિ માટે ઠાઠડી સહિતનો સામાન પણ ખરીદી લીધો હતો, દરમિયાન પોણો કલાકના અરસા બાદ હોસ્પિટલમાંથી ફરી ફોન આવ્યો કે, જે દર્દી ગુજરી ગયા છે તે તમારા સગાં નથી, બીજા કોઈ છે, ભળતાં નામના કારણે આવું થયું છે. બીજો ફોન પરિવારજનો માટે રાહતજનક હતો, પરંતુ પરિવારે તપાસ કરી તો ખબર પડી કે, હકીકતે તો બા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવતાં છે. ઘોર બેદરકારી પછી પણ નફ્ફટાઈ રાખી હોસ્પિટલે પરિવારને ફોન કરી ફરી વાર સગાંને જાણ કરી કે, બા જીવતાં છે, ભળતાં નામના કારણે હોસ્પિટલે ભૂલથી આવો ફોન કર્યો હતો.

અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડો.એમ.ડી. ગજ્જર ફરી એક વાર વિવાદમાં આવ્યા છે, કિડની હોસ્પિટલ ખાતે કોવિડના દર્દીઓ દાખલ કરતી વખતે રજિસ્ટ્રેશન પ્રક્રિયાની બાબતના વિવાદમાં એમ.ડી. ગજ્જર ભાન ભૂલ્યા હતા અને ઉગ્ર બોલાચાલી-ગાળાગાળી પર ઊતરી આવ્યા હોવાનું હાજર લોકો જણાવી રહ્યા છે.

સૂત્રો કહે છે કે, ગત બુધવારે રાતે દસથી સાડા દસ વાગ્યાના અરસામાં ડો.એમ.ડી. ગજ્જર એક સામટા દર્દીઓને દાખલ કરવા મુદ્દે કિડની હોસ્પિટલના સ્ટાફ સાથે બાખડી પડયા હતા. હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે, અમે દર્દીઓની સારવાર માટે જ બેઠા છીએ, પરંતુ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પછી જ વન બાય વન દર્દીઓને દાખલ કરાશે, જો કોઈ ગંભીર પરિસ્થિતિ વાળા દર્દીને આમને આમ દાખલ કરી દઈએ, અને એ અરસામાં કોઈનું મોત થાય તો ડેથ સર્ટિ વખતે મોટો ઈશ્યૂ થઈ શકે તેમ છે, જોકે ડો. એમ.ડી. ગજ્જર રજિસ્ટ્રેશન પ્રક્રિયાની વાત માનવા તૈયાર થયા નહોતા અને ઉદ્ધત વર્તન કરી, ઉગ્ર બોલાચાલીની સાથે ગાળાગાળી પર ઊતરી આવ્યા હતા, તેમ હાજર સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે, ડો. ગજ્જરની મુદ્ત તો પૂરી થઈ ગઈ છે, હવે કયા હોદ્દાની રૂએ ફરજ બજાવી રહ્યા છે તે સમજાતું નથી. આ ડોક્ટર સામે પણ અગાઉ જુનિયર ડોક્ટરોએ આક્ષેપો મૂક્યા હતા કે, તેઓ જુનિયરોને જ કોવિડ વોર્ડમાં મોકલે છે, પોતે કોરોના વોર્ડમાં જતાં જ નથી.

(9:04 pm IST)