Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદ બાદ અમદાવાદના હાથીજણ DPS સ્કૂલની માન્યતા રદ્દ થતા ૮પ૦ જેટલા બાળકોનું ભાવિ અંધકારમયઃ વાલીઓને સ્કૂલની બહાર તંબુમાં રાત વિતાવવી પડી

અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ વિવાદ બાદ હાથીજણ DPS સ્કૂલની માન્યતા રદ થતા 850 જેટલા બાળકોનું ભાવિ અંધકારમય બની ગયું છે. ત્યારે ગઈકાલ સવારથી જ બાળકો અને વાલીઓએ ડીપીએસ સ્કૂલમાં ઘેરાવ કર્યો હતો અને સ્કૂલ ફરીથી શરૂ કરવાની માંગ સાથે મંગળવારે મોડી રાત સુધી બાળકો અને તેમના માતાપિતા સ્કૂલ બહાર જ દેખાવો કર્યા હતા. જ્યારે 11 વાગ્યા સુધી નાના બાળકો પણ ત્યાં જ સૂઈ ગયા હતા અને સ્કૂલ ફરી ચાલુ કરવા આંદોલન કર્યું હતું. નિત્યાનંદ કાંડમાં ભાગીદાર DPS સ્કૂલની માન્યતા રદ થતાં દોઢ હજાર વાલીઓ રઝળ્યા. DPS સ્કૂલની બહાર તંબૂમાં રાત વિતાવી હતી. ત્યારે કૌભાંડી સ્કૂલના પ્રિન્સીપાલે આવીને વાલીઓને ફરીથી સ્કૂલ ચાલુ થઈ જવાનું ગાજર બતાવ્યું હતું.

શિયાળાની કડકડતી ઠંડીમાં રાતવાસો કરવા મજબૂર બન્યાં વાલી અને વિદ્યાર્થીઓ

નિત્યાનંદ કાંડમાં ભાગીદાર અમદાવાદ હીરાપુરની ડીપીએસ સ્કૂલના કૌભાંડને લીધે નાનાં ભૂલકાં સ્કૂલ બહાર તાણેલા તંબૂમાં શિયાળાની કડકડતી ઠંડીમાં રાતવાસો કરવા મજબૂર બન્યાં હતા. નિત્યાનંદની શિષ્યા અને DPSની CEO મંજુલા શ્રોફ અને સ્કૂલના પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતની જોડીએ વાલીઓને રસ્તા પર લાવી દીધા છે. તેમની સાથે નાનાં ભૂલકાં પણ ન્યાયની માગ કરી રહ્યાં છે. શિયાળામાં બાળકો આખી રાત શાળાની બહાર બેઠાં રહ્યાં. અસત્યની જમીન પર ઊભી કરેલી સ્કૂલ અને સરકારની આંખોમાં ધૂળ નાખીને શિક્ષણની હાટડી શરૂ કરનારી મંજુલા શ્રોફે 700થી વધારે બાળકોનું ભવિષ્ય અંધારામાં ધકેલી દીધું છે. ત્રણ દિવસથી બાળકોનું શિક્ષણકાર્ય બંધ છે અને મંજુલા શ્રોફ બાળકોને હથિયાર

બનાવીને ફરીથી સ્કૂલ શરૂ કરાવવાનું ષડયંત્ર રચી રહી છે. રાજ્ય સરકારના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને ફોડીને DPSની કૌભાંડી CEO મંજુલા શ્રોફે હીરાપુરમાં ગેરકાયદે સ્કૂલ ઊભી કરી દીધી અને ગુજરાતને બદનામી અપાવી છે. CBSEની આંખોમાં પણ મંજુલાએ ધૂળ નાંખીને ગેરકાયદેસર મંજૂરી મેળવી લીધી હતી. પરિણામે 700થી વધારે વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા છે. તેમના દોઢ હજાર વાલીઓનું કોઈ રણીધણી નથી. વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલ લઈ જવાના બદલે હવે કોર્ટનાં ચક્કર કાપવા મજબૂર બન્યા છે.

વાલીઓએ સ્કૂલ શરૂ કરવા માંગ કરી

વાલીઓ અને વિદ્યાર્થીઓ આખી રાત સ્કૂલની બહાર વિતાવી રહ્યા હોવાની જાણ થતા જ DPEO એમ.એન.પટેલ પણ સ્ફુલ પહોંચ્યા હતા. DPEO એમ.એન.પટેલે વાલીઓ સાથે વાતચીત કરી હતી અને વાલીઓએ DPEOને સ્કૂલ ઝડપથી શરૂ કરવા માગ કરી હતી. વાલીઓએ કહ્યું કે, સ્કૂલને જે પેનલ્ટી કરવી હોય કરો, સ્કૂલ ન ભરે તો અમે વાલીઓ ભરીશું. સરકાર અને સંચાલકો વચ્ચેનો પ્રશ્ન છે, તેમાં વાલીઓ અને બાળકોનો શુ વાંક છે. અમને ફી પરત મળશે એનાથી કોઈ ખુશી નથી મળવાની, બાળકોનો અભ્યાસ બંધ થઈ ચૂક્યો છે.

સીબીએસઈ બોર્ડના અધિકારીઓ આજે અમદાવાદ આવશે

સીબીએસઈ બોર્ડના અધિકારીઓ આજે અમદાવાદ આવશે. સીબીએસઈ બોર્ડના અધિકારીઓ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગના સચિવ સાથે બેઠક કરશે. સીબીએસઈ બોર્ડના અધિકારીઓ ડીપીએસ ઈસ્ટની પણ મુલાકાત લેશે, અધિકારીઓ વિદ્યાર્થીઓના હિતમાં શું નિર્ણય લઈ શકાય તે અંગે ચર્ચા કરશે. ડીપીએસના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજૂલા શ્રોફ અને હિતેન વસંત સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. DEOના અધિકારીઓએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદથી આ ત્રણેય આરોપીઓ ઘરેથી ફરાર થયા છે.

મંજૂલા શ્રોફની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

DPSની કૌભાંડી CEO મંજૂલા શ્રોફની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. ધરપકડથી બચવા મંજૂલા શ્રોફ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતની જોડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. DPSની કૌભાંડી અને સંવેદનહીન CEO મંજુલા શ્રોફ અને હિતેન વસંતની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. DPSના પૂર્વ પ્રિન્સીપલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનનાં કૌભાંડી મંજૂલા શ્રોફ અને હિતેન વસંત સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં અનિતા દુઆ, મંજુલા શ્રોફ અને હિતેન વસંત સામે ફરિયાદ નોંધાવી છે. જેવી પોલીસ ફરિયાદ નોંધાઈ કે તરત જ આ ત્રણેયની જોડી ભૂગર્ભમાં ઉતરી ગઈ અને જવાબ આપવાના બદલે પૈસાના જોરે ધરપકડથી બચવાના પ્રયાસો શરૂ કર્યા છે.

સ્કૂલે હજી દસ્તાવેજ સરકારને સોંપ્યા નથી

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી ડી.પી.એસ.-ઇસ્ટ સ્કૂલના સંચાલકોએ નિયમોને કઈ હદ સુધી ઘોળીને પી ગયા છે તેનો અંદાજો એના પરથી લગાવી શકાય છે કે આ ડીપીએસના સત્તાધિશોએ 14-14 જેટલા દસ્તાવેજો સરકારને સોંપ્યા જ નથી. અને તેમ છતાં બેખૌફ આટલી મોટી શાળા ચલાવી રહ્યા હતા. અને તેમ છતાં આ ગુનેગારો આગોતરા જામીનની અરજી પણ કરી રહ્યા છે.. ચેરમેન અને એમ.ડી. મંજુલા પૂજા શ્રોફ તેમજ તત્કાલિન ટ્રસ્ટી હિતેન વસંતે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની સુનાવણી બુધવારે હાથ ધરાશે.

(5:01 pm IST)