Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ગૌણ સેવા મંડળ સામે ઉગ્ર પ્રદર્શનઃ 'દંડાધારી' પોલીસે ઉમેદવારોને ભગાડયા

બીનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગણી સાથે યુવાનો ગાંધીનગરમાં ઉમટયાઃ આસિત વોરા સામે રોષ

 (અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૪: રાજયના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગયા મહિને લેવાયેલ પરીક્ષામાં ગેરરીતી થયાના આક્રોશ સાથે આજે સંખ્યાબંધ ઉમેદવારોએગાંધીનગર પહોંચી ઉગ્રઆક્રોશ વ્યકત કરેલ. મંડળની ઓફીસ કર્મયોગી ભવન ખાતે દેખાવ કરવા જવા પ્રયાસ કરી રહેલા યુવા ઉમેદવારોને પોલીસે અટકાવી ભગાડયા હતા.૪૦૦ થી વધુ ઉમેદવારોની અટકાયત કરાયાનું જાણવા મળે છે. પોલીસે બળપ્રયોગનો પ્રયાસકરતા યુવાનોમાં રોષ ફેલાયો છે.

સુરેન્દ્રનગરમાં એક યુવક  પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોનથી ફોટા પાડી વાયરલ કરી રહયાના પુરાવા કોંગ્રેસે રજુ કરેલ. પરીક્ષામાં ગેરરીતી થતા આખી પરીક્ષા રદકરવાની માંગણી સાથે આજે યુવાનોના ટોળા ગાંધીનગરમાં ઉમટયા હતા. કર્મયોગી ભવન નજીક લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ. મંડળના ચેરમેન આશીત વોરા સામે યુવાનોએ ભારે રોષ ઠાલવ્યો હતો. અન્યાયી પરીક્ષા રદ થવી જોઇએ તેવી માંગણી બુલંદ કરેલ. સુત્રોચ્ચાર કરી રહેલા યુવાનોને પોલીસે દંડા બતાવી ભગાડયા હતા. આગળ યુવાનો અને પાછળ પોલીસ તેવા  દ્રશ્યો સર્જાયા હતા. અટકાયત કરેલા યુવાનોને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. સરકાર રજુઆત સાંભળવાને બદલે યુવાનોને ભગાડી રહયાનો આક્રોશ વ્યકત કર્યો હતો. બપોરના સમયે કર્મયોગી ભવન વિસ્તારમાં ઉકળતા ચરૂ જેવી પરિસ્થિતિ થઇ ગઇ હતી.

(3:12 pm IST)