Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

'સારા-સારા'ના બદલે 'મારા-તારા'ને પ્રમુખો બનાવવાના હઠાગ્રહથી મામલો ઘોંચમાં:ભાજપમાં બે 'ધરી' રચાવા લાગી

પાર્ટીએ સતાવાર જાહેર કરેલ ૩૦ નવેમ્બર જતી રહીઃ વી.સતિષ બે-ત્રણ વખત આવી ગયાઃ ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં પાર્ટીના પ્રમુખ જાહેર કરવામાં વિલંબથી જાતજાતની ચર્ચા

રાજકોટ, તા., ૪: ગુજરાતમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ભાજપના પ્રમુખો જાહેર કરવામાં અકળ વિલંબ થઇ રહયો છે. ભાજપ માટે અત્યારે એક હથ્થુ શાસન જેવી સાનુકુળતા હોવા છતા સંગઠનના પદાધિકારીઓ નક્કી કરવામાં જે વિલંબ થઇ રહયો છે તે પાછળ આંતરીક ખેચતાણ હોવાનું બહાર આવેલ છે. દેખીતી રીતે શિસ્તબધ્ધ ગણાતી પાર્ટીમાંઅત્યારે અંદરખાને માહોલ અપેક્ષા મુજબ ન હોવાના નિર્દેશ મળે છે.પાર્ટીના પ્રવકતાએ ૩૦ નવેમ્બર સુધીમાં તમામ શહેર જિલ્લા પ્રમુખો જાહેર થઇ જવાનું જાહેર કરેલ. આજે૪ ડીસેમ્બર થઇ ગઇ હોવા છતા એક પણ પ્રમુખનું નામ જાહેર થઇ શકયું નથી કે જાહેર કરવાની તારીખ પણ જાહેર થઇ નથી. કેટલાક શહેર જિલ્લામાં સારા-સારાના બદલે મારા-તારાને  પ્રમુખ પદે બેસાડવાની ટોચના અમુક લોકોની મમતના કારણે મામલો ઘોંચમાં પડયાનું જાણવા મળે છે. વિલંબનું સતાવાર કારણ ગમે તે આપી શકાય પરંતુ ભાજપમાં અંદરખાને  બે ધરી આકાર લઇ રહયાના એંધાણ વર્તાઇ છે.

પાર્ટીએ નવેમ્બરના ત્રીજા અઠવાડીયામાં  ઝોન વાઇઝ નિરીક્ષકો મોકલી સેન્સ લેવડાવેલ. નિરીક્ષકોની સુનાવણી પણ પુરી થઇ ગઇ છે. ૩૦ નવેમ્બર સુધીમાં પ્રમુખો જાહેર કરવાની જાહેરાતનું સુરસુરીયું થઇ ગયું છે.  અમુક જિલ્લાઓમાં નામ માટે સર્વાનુમતી થઇ ગઇ છે. રાજકોટ જિલ્લો અમદાવાદ મહાનગર, જુનાગઢ શહેર સહિત કેટલાય એકમોમાં પ્રમુખ પદ માટે ભારે ખેંચતાણ છે.  બીનસતાવાર જુથવાદ ફુંફાડા મારી રહયો છે. પ્રદેશ કક્ષાએ  બેભાગ પડી રહયાના એંધાણ દેખાઇ છે. ટોચના અમુક લોકો વચ્ચે જ સહમતી ન થતા સતત મોડુ થઇ રહયું છે. હવેપછી જેની પ્રમુખપદે નિમણંક થનાર છે તેના નેતૃત્વમાં જ સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ અને આગામી ધારાસભાની ચુંટણી થનાર છે તેથી પ્રદેશના નિર્ણાયક નેતાઓ આ નિમણુંકોમાં વિશેષ રસ ધરાવી રહયા છે. હવે અઠવાડીયામાં જ નામો જાહેર થઇ જશે તેવું ભાજપના વર્તુળોનું કહેવું છે. દેશના સંગઠન માટે મોડેલ ગણાતા ગુજરાત ભાજપમાં અત્યારે બધુ ઠીકઠાક ન હોવાના વાવડ મળે છે

(11:51 am IST)