Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રેલવે ટ્રેક પર માતા-પુત્રી બંને ટ્રેનની નીચે અકસ્માતે કપાયા

દીકરી પડી, બચાવવા જતાં મા-દીકરી બંનેના મોત : સુરત-ઉધના રેલવે સ્ટેશનની વચ્ચે બનેલી ચકચારી ઘટના

અમદાવાદ, તા. ૩ : સુરત અને ઉધના રેલવે સ્ટેશને બનેલી ગોઝારી ઘટનામાં એક મહિલા અને તેની બાળકીનું અકસ્માતે મોત નીપજ્યું હતું. રેલવે ટ્રેક પર દીકરી પડી જતા તેણીને બચાવવાના પ્રયાસમાં માતા અને પુત્રી ધસમસતી ટ્રેન નીચે આવી જતાં માતા-પુત્રીના કરૂણ મોત નીપજયા હતા. આ ઘટના દરમ્યાન અન્ય એક બાળકી ઘાયલ થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સાથે સાથે શોકની લાગણી પણ પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, ગત રોજ સહારા દરવાજા અને ઉધના દરવાજા વચ્ચેના ટ્રેક પરથી એક મહિલા બે બાળકીઓ સાથે પસાર થઇ રહી હતી. કોન્ટ્રાકટ પર ટ્રેક આસપાસ ઘાસ કાપવાનું કામ કરતી રેખા કાલીયા ડામોર (ઉ.વ.૩૦) અને તેની પુત્રી રિતિકા (ઉ.વ.૦૭) ( બંને રહે,ખટ્ટા પાણી ગામ, જામ્બુવા, મધ્યપ્રદેશ)તેમજ અરુણા મુકેશ દેવડા (ઉ.વ.૧૦) (રહે. ઉચવાનિયા ગામ, દાહોદ )સહારા દરવાજાના રેલવે પુલ-૪૪૩ ઉપરથી પસાર થઇ સુરત તરફ જતી હતી. ત્યારે વલસાડથી સુરત તરફ આવતી વલસાડ- દાહોદ ઇન્ટરસીટી ટ્રેને મહિલા અને તેની પુત્રીને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા જયારે અન્ય એક બાળકી અરુણાને ઇજા પહોંચી હતી. દુર્ઘટના બાદ ટ્રેન રોકી દેવાઇ હતી અને રેલવે પોલીસ તેમજ આરપીએફ જવાનો ઘટના સ્થળે પહોંચી બંનેની લાશને પીએમ માટે સ્મીમેરમાં મોકલી દઇ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડાઇ હતી. મૃતક મહિલા સિવિલિયન્સ ઇન્ફ્રા બિલ્ડ કંપનીના કોન્ટ્રાકટ પર રેલવે ટ્રેક પાસે ઘાસ કાપવાનું કામ કરતી હતી. સુપરવાઈઝર જયંતિ પવને જણાવ્યું હતું કે, પુલ પર જ્યારે પાછળથી ટ્રેનને આવતી જોઇ માતા-પુત્રી અને અન્ય એક બાળકી ગભરાઇને ભાગવા લાગ્યા પરંતુ પુત્રી ટ્રેક પર પડી જતા તેને બચાવવાની કોશિશમાં ટ્રેન બંનેને અડફેટે લઈ પસાર થઇ ગઈ હતી. જો કે, અરુણા બચી જવામાં સફળ રહી હતી. જે પુલ પર ઘટના બની તે પુલ પર ટ્રેન આવે ત્યારે સાઈડ પર ઉભા રહી જવા માટે કોઈ જગ્યા નથી. જો ટ્રેન આવે તો પુલ પસાર કરવો જ પડે તેવી સ્થિતિ છે. આ માટે આ પુલ પર વચ્ચે રેસ્ટ સ્પેસ બનાવવા રેલવે અધિકારીઓએ વિચારણા કરી છે. થોડા મહિના અગાઉ સુરત -ઉધના વચ્ચેના કાંકરા ખાડી પુલ પર ઉપરા છાપરી બનેલી બે ઘટનામાં ૫ાંચ લોકોએ જીવ ગુમાવ્યો ત્યારબાદ રેલવે પોલીસ અને આરપીએફે આ સેક્શન પર પેટ્રોલીંગ વધારવા વાત કરી હતી પરંતુ હજુ સુધી તેની કોઇ અસરકારક અમલવારી દેખાતી નથી.

(8:57 am IST)