Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સેવાલિયાની યુવતીને નિકાહ કરવાની લાલચ આપી નરાધમે અવારનવાર દુષ્કર્મ ગુજારતા અરેરાટી

સેવાલિયા:ની યુવતીને નિકાહ કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારનાર ઈસમ સામે સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ સેવાલિયામાં રહેતી એક ૨૩ વર્ષીય યુવતીના ત્રણેક વર્ષ પહેલાં ઉમરેઠના યુવાન સાથે જ્ઞાતિના રીત-રિવાજ સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્ન થયાના ટૂંકા સમય ગાળામાં યુવતીને ઈકબાલ આદમભાઈ પટેલ સાથે સંબંધ હોવાની જાણ થતાં યુવતીને તેના પતિએ તલાક આપી દીધા હતા. 
બાદમાં આ યુવતી પિયરમાં રહેતી હતી ત્યારે ઈકબાલ પટેલ યુવતીને તેની સાથે નિકાહ કરવાની લાલચ આપી તેણી સાથે અત્યાચાર ગુજારતો હતો. પરંતુ નિકાહ કરવાની વાત કરતી યુવતીને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ પરિવારજનોને હકીકતની જાણ કરી હતી તેમજ ઈકબાલે નિકાહ ન કરતા યુવતીએ ગત તા. ૧૯-૧૨-૧૬ના રોજ સેવાલિયા પોલીસ મથકમાં ઈકબાલ વિરુદ્ઘ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ ઈકબાલ હાઈકોર્ટમાંથી જામીન મેળવી છૂટી ગયો હતો. બાદમાં યુવતીને નિકાહ કરવાની બાહેંધરી આપી હતી. ગત તા. ૨૪-૧૧-૧૮ના રોજ રાત્રે યુવતી ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ ફરીથી આ યુવતીને ફોન કરી ઠાસરા-ડાકોર ઉપર આવેલ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેણી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આમ અવારનવાર તેણી સાથે નિકાહ કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારી ઈકબાલે નિકાહ ન કરતા યુવતીએ છેવટે સેવાલિયા પોલીસ મથકમાં ઈકબાલ પટેલ સામે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:52 pm IST)