Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

નડિયાદ પશ્ચિમમાં તસ્કરોનો તરખાટ : બે મકાનને નિશાન બનાવી 1 લાખની મતાની ઉઠાંતરી

નડિયાદ:પશ્ચિમમાં એક જ રાતમાં ત્રાટકેલા તસ્કરોએ બે મકાનોના તાળાં તોડી એક લાખ ઉપરાંતની મતા ચોરી જતાં શહેરીજનોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ પશ્ચિમમાં પવનચક્કી રોડ ઉપર મારૂતિનગર સોસાયટીમા શૈલેન્દ્રકુમાર નટવરભાઈ ચૌહાણ રહે છે. ગત તા. ૧-૧૨-૧૮ના રોજ શૈલેન્દ્રકુમાર મકાનને તાળું મારી બહારગામ ગયા હતા. આ દરમિયાન ત્રાટકેલા તસ્કરો બંધ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. આ તસ્કરો મકાનમાં પ્રવેશી તિજોરી તેમજ ડ્રોઅરમાંથી સોના-ચાંદીના દાગીના રૂા. ૮૫,૬૦૦ તથા રોકડા રૂા. ૧૦,૦૦૦ મળી કુલ ૯૫,૬૦૦ની મતા ચોરી ગયા હતા. ત્યારબાદ તસ્કરોએ મકાન નં ૧૯માં રહેતા કેતનકુમાર અશોકભાઈ પ્રજાપતિના મકાનમાં ત્રાટકીને રોકડા ૨૦ હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્કવોડ, એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. 
આમ નડિયાદ પશ્ચિમમાં પવનચક્કી વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં બે મકાનોના તાળાં તોડી હાથ અજમાવવામાં સફળ રહ્યા હતા. હાલમાં શિયાળાની ઠંડીની શરૂઆત થઈ છે. હજું તો ઠંડીની ધીમી શરૂઆત છે ત્યાં જ તસ્કરોને ચોરી કરવામાં મોકળું મેદાન મળ્યું છે. નડિયાદ શહેરમાં પોલીસતંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક દરેક વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ગુનાખોરી ડામવા જાહેર રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. આમ છતાં તસ્કરો બિન્દાસ્તપણે ચોરી કરી પ્રજાને પડકાર ફેંકી રહ્યા છે. આમ પોલીસ પેટ્રોલીંગ છતાં ચોરીના બનાવ વધી રહ્યા છે જેથી પોલીસ પેટ્રોલીંગની કામગીરી અંગે સવાલો ઊઠી રહ્યા છે.

(5:51 pm IST)