Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ફરારી યશપાલસિંહને ઝડપવા માટે કોલવણ ગામે પોલીસના ધાડા ઉતર્યા

કેન્દ્રીય મંત્રીના ગામમાંથી પેપર લીકેજના અહેવાલ સાથોસાથ તલાટી મંત્રી કૌભાંડના આરોપી દ્વારા ગુજરાત સરકારના મંત્રી સામેના આરોપોની વિડીયો કલીપ વાયરલઃ પેપર કૌભાંડના તાર આંતરરાજય ગેંગ સાથે જોડાયાની વકી : અનુપમસિંહ ગેહલોતે ગાંધીનગર પોલીસની વિનંતીથી બે ટીમો રચીઃ યશપાલે વડોદરા કોર્પોરેશનમાં ફકત ર૦ દિ' જ ફરજ બજાવી છે

રાજકોટ, તા., ૪: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર અને રાજયસરકારની પ્રતિષ્ઠાના લીરેલીરા ઉડાવવા માટે નિમિત બનેલ પોલીસની લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થવાના મામલે ભાજપના બે નેતા, એક યુવતી અને એક પોલીસ સબ ઇન્સ્પેકટરની ધરપકડને પગલે દિલ્હીથી પ્રશ્નપત્ર લાવનાર અને જેને મુખ્ય સુત્રધાર તરીકે પોલીસ ઓળખાવે છે તેવા ફરારી યશપાલસિંહ વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતો હોવાનું ખુલતા ગાંધીનગર પોલીસે તાકીદે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની મદદ લેતા જ તેઓએ ક્રાઇમ બ્રાન્ચની બે ચુનંદી ટુકડીઓ તૈયાર કરી મ્યુનીસીપલ કોર્પોરેશન અને વડોદરાના પુર્વ વિભાગમાં આવેલ ગાજરવાડી ખાતે છાપો મરાવ્યો હતો. પરંતુ નામમાં ગોટાળાના કારણે ગાજરવાડીમાં રહેતો યશપાલ બીજો નિકળ્યો હતો.

દરમિયાન મુખ્ય સુત્રધાર યશપાલ મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના કોલવણ ગામનો વતની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા જ કોલવણમાં પોલીસના ધાડા ઉતરી પડયા હતા અને અત્યારે પણ સર્ચકાર્ય ચાલી રહયું છે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં  વડોદરાના પોલીસ કમિશ્રર અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે ગાંધીનગર પોલીસની દરખાસ્તથી ક્રાઇમ બ્રાન્ચની બે ટુકડીઓને તાકીદે તપાસના કામમાં લગાડી છે. તેઓએ જણાવેલ કે યશપાલસિંહ વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનમાં તા. ૮-૮-ર૦૧૮ થી હંગામી કર્મચારી તરીકે ફરજ પર હાજર થયેલ અને ર૦-૯-૧૮ના તે વગર રજાએ ફરજ પરથી લાપતા બન્યાનું મ્યુનીસીપલ કોર્પોરેશનના રેકર્ડ પરથી બહાર આવ્યું છે. યશપાલે માત્ર ર૦ દિવસ જ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી છે.

દરમિયાન પેપર લીક કૌભાંડની રાજયવ્યાપી બનેલી ચર્ચા સામાન્ય લોકોથી લઇ સચિવાલય સુધી હોટ ટોપીક બની રહી છે. કેન્દ્રના એક મંત્રીના ગામમાંથી જ લોકરક્ષકનું પેપર લીકેજ થયાની ચર્ચાથી રાજકારણ ગરમાયું છે. બીજી તરફ તલાટી મંત્રી ભરતી ગોટાળામાં જેનું નામ જાહેર થયેલ તેવા ચંપાવત દ્વારા જે તે વખતે વિવિધ ચેનલોને અપાયેલ ઇન્ટરવ્યુંની કલીપ વાયરલ બની છે.

આ કલીપમાં ચંપાવત દ્વારા રાજય સરકારના  એક સિનીયર મંત્રી સામે આરોપ મુકી ભરતીમાં કઇ રીતે કૌભાંડ ચલાવાઇ રહયું હતું તેની વિગતો એક પછી એક તેણે જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે.

તલાટી મંત્રી, ટાટ, મુખ્ય સેવિકા વિ. ભરતીમાં થયેલ કૌભાંડ અને લોકરક્ષકનું પેપર યશપાલ દિલ્હીથી લાવ્યાની ચર્ચાના પગલે આંતરરાજય ગેંગ પેપર ફોડવાનું કૌભાંડ ચલાવી રહયાની શંકા બળવતર બની છે અને પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આંતર રાજય ષડયંત્ર હોવાનું ખુલશે તો સમગ્ર તપાસ સીઆઇડી ક્રાઇમને કે જે એજન્સી અનેક અટપટી તપાસોમાં પરીણામ લાવી શકી છેતેને સોંપાય જાય તો નવાઇ નહી. દરમિયાન રીમાન્ડ પર લેવાયેલા શખ્સોની પુછપરછમાં યશપાલસિંહ મનહર પટેલ સાથે વાતચીત ડમી સીમકાર્ડ દ્વારા કરતો હોવાનું ખુલ્યું છે. મનહર પટેલ સામે ટાટના પેપરમાં પણ ગરબડીનો આરોપ હતો આમ છતા તેના વિરૂધ્ધ કોઇ તપાસ ન થતા તેની હિંમત વધ્યાનું કોંગ્રેસી વર્તુળો ચર્ચી રહયા છે.

(3:41 pm IST)