Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

LRD પેપર લીક : 'મારા પતિને કોઇ મોટા માણસે ફસાવ્યા છે', યશપાલસિંહની પત્ની આવી સામે

યશપાલ એવું કામ કરી જ ન શકે તેવો મને વિશ્વાસ છે : તેમને કોઇએ ફસાવ્યા છે : દિવ્યાબા સોલંકી

અમદાવાદ તા. ૪ : લોક રક્ષક દળ (એલઆરડી)ની પરીક્ષાના લીક થયેલા પેપર મામલે હાલ મુખ્ય સૂત્રધાર કહેવામાં આવતા યશપાલસિંહ સોલંકીની પત્ની મીડિયા સામે આવી છે. વાતચીત દરમિયાન દિવ્યબાએ પોતાના પતિને ફસાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે તેના પતિને કોઈએ ફસાવી દીધો છે.

'યશપાલ એવું કામ કરી જ ન શકે તેવો મને વિશ્વાસ છે. તેમને કોઈએ ફસાવ્યા છે. દિલ્હી જઈને પેપર લઈ આવ્યા હતા તેવી મારે તેમની જોડે કોઈ વાતચીત નથી થઈ. તેઓ દિલ્હી જઈન ન શકે, કારણ કે તેમની પાસે એટલા પૈસા જ નથી. અમારા ઘરે કોઈ પાસે પૈસા નથી. આખા મામલામાં કોઈ મોટા માણસે તેમને ફસાવ્યા છે. તેઓ સલામત રીતે ઘરે પરત ફરે તેવું અમે ઇચ્છીએ છીએ.'

બીજી ડિસેમ્બરના રોજ લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવા મામલે પોલીસ યશપાલસિંહ નામના યુવકની શોધખોળ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે યશપાલ જ પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર છે. યશપાલ દિલ્હીની કોઈ વ્યકિત પાસેથી આ પેપર લઈને આવ્યો હતો. બે દિવસથી યશપાલનું નામ મીડિયામાં ચમકી રહ્યું છે, પરંતુ તેના બે અલગ અલગ નામ મીડિયામાં ચમકી રહ્યા છે. યશપાલસિંહ સોલંકી અને યશપાલસિંહ ઠાકોર એવા બે નામ સામે આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે પેપર લીક મામલે કરવામાં આવેલી પોલીસ ફરિયાદમાં વડોદરા કોર્પોરેશનના ફાઈલેરિયા વિભાગમાં કામ કરતાં યશપાલસિંહ સોલંકીનું નામ નોંધાયું છે. બીજી તરફ આશ્ચર્યની વચ્ચે કોર્પોરેશનના અધિકારીઓ કહે છે કે સોલંકી અટકનો કોઈ કર્મચારી અહીં કામ કરતો નથી. જે કર્મચારી ૧૧ મહિનાના કોન્ટ્રાકટ પર કામ કરતો હતો તેનું નામ યશપાલસિંહ ઠાકોર છે. એટલે કે પોલીસ ચોપડે અને કોર્પોરેશનના ચોપડે અલગ અલગ નામ નોંધાયેલા છે.

(3:36 pm IST)