Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

LRD પેપર લીક મામલે નવો ધડાકો : પરીક્ષા પહેલા એક હોટલમાં થઇ હતી મિટીંગ

પરીક્ષા પહેલા ચિલોડાની અંજલિ હોટલમાં ૫૦થી વધારે ઉમેદવારોની બેઠક થઇ હતી

અમદાવાદ તા. ૪ : પોલીસમાં લોક રક્ષક દળના જવાનો માટે યોજાયેલી પરીક્ષાનું પેપર રવિવારે લીક થયા બાદ પોલીસ તંત્રએ ચાર આરોપીની ધરપકડ કરી છે. પાંચમો આરોપી જે ફરાર થયો છે તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતો હોવાની માહિતી બહાર આવી છે. જેમાં એક નવો ફણગો ફૂટ્યો છે. પરીક્ષા પહેલા ચિલોડાની અંજલિ હોટલમાં ૫૦થી વધારે ઉમેદવારોની બેઠક થઇ હતી.

પોલીસે આ મામલે ઝીણવટપૂર્કની તપાસ કરતા અનેક મુદ્દા તપાસ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે ટાટ પેપર લીક થયા પહેલા પણ આ જ હોટલમાં મિટીંગ થઇ હતી. ટાટ અને લોક રક્ષક દળના પેપર લીક કાંડમાં બે બાતતો સરખી જોવા મળે છે એક છે મનહર પટેલ અને અંજલિ હોટલ.

પેપર લીક માટે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું. યશપાલ સોલંકીના એક મોબાઇલ ફોન નંબર પર ચાલતા વોટ્સ એપનું લાસ્ટ સીન ગત તા.૭ ઓકટોબરનું બતાવે છે. આ નંબરથી યશપાલ સોલંકીએ વોટ્સ એપનો ઉપયોગ કર્યો ન હોય તે વાતમાં કોઇ દમ નથી. યશપાલ સોલંકીએ પેપર લીક પ્રકરણમાં એકથી વધુ મોબાઇલ ફોન નંબર અથવા ડમી સીમ કાર્ડનો ઉપયોગ કર્યો હોવાની શકયતા હોય શકે છે. હાલ તો આ પ્રકરણ બાદ સૂત્રધાર યશપાલ ભૂર્ગભમાં ઊતરી ગયો છે.

મહત્વનું છે કે પેપર લીક અંગે સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા ચાર વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી. પેપર લીક કૌભાંડનો પાંચમો આરોપી ફરાર થઇ ગયો છે. જેની તપાસ કરવામાં આવતા આ આરોપી યશપાલ સોલંકી (ઠાકોર) વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ફાઇલેરિયા શાખામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.(૨૧.૧૦)

 

 

(11:53 am IST)