Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કોંગ્રેસ હલકી કક્ષાની રાજનિતી કરે છે ઓપરેશન માટે રાજય સરકાર પાસેથી એક પણ રૂપિયો મે અથવા તો મારે પરિવારે નથી લીધોઃ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ

છેલ્લા બે દિવસથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મુંબઈમાં ઘૂંટણની સર્જરી કરાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દે મૌન તોડ્યું છે. નીતિનભાઇ પટેલે કહ્યું કે, સર્જરી કરાવવા માટે મુંબઈ જવું પડ્યું કારણકે આના માટે સ્પેશિયલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. DyCMએ બીજા રાજ્યમાં ઓપરેશન કરાવતા કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા અને ખર્ચાનો મુદ્દો પણ ઉછાળ્યો.

નીતિનભાઇ પટેલે કહ્યું કે, “મારા ઘૂંટણનું ઓપરેશન યૂનિકમ્પાર્ટમેન્ટલ ટેક્નોલોજીની મદદથી કરવામાં આવ્યું જે મુંબઈમાં થાય છે. મારી સારવાર અને રાજ્યમાં આરોગ્યની સુવિધા સામે કોંગ્રેસે ઉઠાવેલા સવાલ પાયાવિહોણા છે. કોંગ્રેસ હલકી કક્ષાની રાજનીતિ કરે છે.” DyCM પર એવો પણ આરોપ મૂકવામાં આવ્યો કે સર્જરી માટે સરકારી નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિષે નીતિનભાઇ પટેલે સ્પષ્ટીકરણ આપ્યું કે, “રાજ્ય સરકાર પાસેથી મેં કોઈ રૂપિયા લીધા નથી. મારી ફ્લાઈની ટિકિટ પણ સ્વખર્ચે લીધી છે. મારા પરિવારમાંથી પણ કોઈએ સારવાર માટે સરકાર પાસેથી મદદ લીધી નથી. અગાઉ સ્ટર્લિંગ હોસ્પિટલમાં પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હતું તેમાં પણ સરકાર પાસેથી એક પણ રૂપિયો લીધો નથી.”

બે દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઘૂંટણની સારવાર કરાવી. આ ખબર સામે આવતાં જ ટીકા શરૂ થઈ કે નીતિન પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી હોવા છતાં બીજા રાજ્યમાં સારવાર લેવા જાય છે. કોંગ્રેસે કહ્યું આ જ દર્શાવે છે કે રાજ્યમાં આરોગ્ય સુવિધાઓની સ્થિતિ કેવી છે.

શનિવારે કોંગ્રેસના પ્રવક્તા તરફથી સવાલ ઉઠાવાયા કે, “ગુજરાત સરકાર આરોગ્યની સુવિધાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. માધવસિંહ સોલંકી, લીલાધર વાઘેલા, જયનારાયણ વ્યાસ, ભૂપેંદ્રસિંહ ચુડાસમા જેવા નેતાઓ પણ આ હોસ્પિટલમાં સારવાર લીધી છે. તો નીતિનભાઇ પટેલને કેમ એવી મોંઘી હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું જ્યાં મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ સારવાર લે છે.” ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર સામે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા.

(4:24 pm IST)