Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

અમદાવાદના અનેક ક્ષેત્રોમાં પણ હળવો વરસાદ નોંધાયો

રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવો વરસાદ થયોઃ શહેરના પૂર્વના મણિનગર,ખોખરા સહિતના વિસ્તારોમાં વરસાદ : રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ, તા.૪, રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર આવતીકાલે મંગળવારે ઓખી વાવાઝોડુ સ્પર્શવાની આગાહી કરવામા આવી છે આ પરિસ્થિતિમા અમદાવાદ શહેરના વાતાવરણમાં આજે અચાનક પલ્ટો આવતા શહેરના પૂર્વના અનેક વિસ્તારોમાં સાંજના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયમાં આવતીકાલે મંગળવારે મધ્યરાત્રીના સુમારે ઓખી વાવાઝોડુ ત્રાટકવા અંગેની આગાહી બાદ જ્યાં રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે તાકીદની બેઠક બોલાવવામા આવી હતી.આ બેઠકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉભી થનારી સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને હાઈએલર્ટના આદેશ જારી કરી દેવામા આવ્યા છે.ત્યાં બીજી તરફ અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવેલો જોવા મળ્યો હતો.શહેરમાં આજે સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલુ હતુ.અમદાવાદના મહત્તમ તાપમાનમાં પણ આજે નોંધપાત્ર એવો ઘટાડો થવા પામતા શહેરમાં ઠંડીનો માહોલ અનુભવાયો હતો.બીજી તરફ આજે શહેરના વાતાવરણમાં સાંજના સુમારે એકાએક પલ્ટો આવવા પામ્યો હતો.અમદાવાદ શહેરના પૂર્વના વિસ્તારો  ખાસ કરીને મણિનગર, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, જશોદાનગર અને વટવા સહિતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડવા પામ્યો હતો.ઓખી વાવાઝોડાની સંભવિત અસરોના પરિણામે દરિયાઈ પવનો ફૂંકાવા શરૂ થતા એની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળી હતી.શહેરમાં આજે સવારથી વાતાવરણ એટલી હદે ખરાબ રહેવા પામ્યુ હતુ કે,રસ્તા ઉપર વાહનચાલકોને પણ તેમના વાહનો રોજની ગતિ કરતા ઓછી ગતિથી  ચલાવવાની ફરજ પડી હતી.અમદાવાદ શહેરમાં પલ્ટાયેલા એકાએક વાતાવરણની વચ્ચે શહેરીજનોએ તેમના ઘરના કબાટમાં મુકી રાખેલા સ્વેટર સહિતના ગરમ કપડા બહાર કાઢી પહેરવાની ફરજ પડી હતી. અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવો વરસાદ થયો હતો.

મોદી આજે જ્યાં સભા કરી રહ્યા હતા તે વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બીજી બાજુ આવતીકાલે ગુજરાતમાં અતિભારે વરસાદનીચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. બે દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. ખાસ કરીને વલસાડ, સુરત, નવસારી, ભરુચ, ડાંગ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દિવ દમણમાં ભારે વરસાદ થઇ શકે છે.

 

(9:49 pm IST)