Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

અમદાવાદ : ઝાડા-ઉલ્ટીના બે દિનમાં ૪૭ કેસ નોંધાયા

સાદા મેલેરિયાના બે દિવસમાં ૧૬ કેસ થયાઃ ડેન્ગ્યુના ૨૦૧૭માં ૯૫૭ અને મલેરિયાના ૯૧૪૪ કેસ

અમદાવાદ, તા.૪, અમદાવાદ શહેરના વાતાવરણમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ફેરફાર જોવા મળી રહ્યો છે.અમદાવાદના વાતાવરણમા વાદળછાયા વાતાવરણની વચ્ચે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે આ પરિસ્થિતિની વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમા મળી રહેલા પ્રદૂષિત પાણીને લઈને આ માસની શરૂઆતમાં ઝાડા ઉલ્ટીના બે દિવસમાં ૪૭ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ મચ્છરજન્ય એવા મેેલેરીયાના બે દિવસમા  ૧૬ કેસ નોંધાવા પામ્યા છે.આ અંગે મળતી માહીતી અનુસાર,શહેરના વાતાવરણમા છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાવાની સાથે ઠંડીના પ્રમાણમાં વધારો થવા પામ્યો છે.તો બીજી તરફ શહેરમા ગાઢ ધુમમ્સ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે શહેરમાં શ્વાસને લગતા રોગના કેસોનું  પ્રમાણ વધવા પામ્યુ છે.શહેરમા એક તરફ ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેકટને લગતી વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરીને કારણે  સતત ઉડી રહેલી ધૂળ અને વાહનો દ્વારા ફેંકવામા આવી રહેલા પ્રદૂષણના ધુમાડાને લઈને વાતાવરણ ધુંધળુ બની જતા નાગરિકોને ફરજિયાત મોં પર માસ્ક પહેરીને બહાર નીકળવાની ફરજ પડી રહી છે.શહેરમાં વાતાવરણના પલ્ટાને લઈને શરદી,ખાંસી,સળેખમ સહીત જે લોકોને દમ અને અસ્થમાની તકલીફ છે તેવા લોકોને ઘરની બહાર પણ નીકળવુ મુશ્કેલ બની જવા પામ્યું છે.અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆતથી અનેક વિસ્તારોમાં પ્રદૂષિત પાણી મળતુ હોવાની ફરિયાદોના પ્રમાણમાં સતત વધારો થવા પામ્યો છે.આ ફરિયાદોના ઝડપથી નિકાલ માટે ખુદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ વખતોવખત રિવ્યુ બેઠકમાં ઈજનેર અને હેલ્થ વિભાગના અધિકારીઓને તાકીદ કરવામા આવી છે.આમ છતાં મ્યુનિસિપલ કમિશનરની સુચનાને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા હોવાના કારણે શહેરમાં બે દિવસમાં ઝાડા ઉલ્ટીના ૪૭ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ટાઈફોઈડના પણ ૨૧ કેસ નોંધાવા પામ્યા છે તો કમળાના ૧૪ કેસ બે દિવસમાં નોંધાવા પામ્યા છે,બે દિવસમાં મેલેરીયાના રુલ મળીને ૧૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા ૩૦ નવેમ્બર સુધીમાં કુલ ૧૪૩ ફૂડ સેમ્પલ લેવામા આવ્યા હતા જે પૈકી ૭ સેમ્પલ અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે.જયારે ડિસેમ્બર માસમાં બે દિવસમાં ૬ ફૂડ સેપલ લેવામાં આવ્યા છે.

 

(9:48 pm IST)