Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

નરોડા ખાતે રૂપાણીના રોડ શોમાં લોકોનો ધસારો રહ્યો

વિકાસના નામ પર લોકો મત આપશે : રૂપાણીઃ કોંગ્રેસ પાસે કોઇ મુદ્દાઓ નથી : લોકોની પાસે જઇ શકતા નથી : સુરત બાદ અમદાવાદમાં જોરદાર રોડ શોમાં ઉત્સાહ

અમદાવાદ,તા. ૪, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સતત બીજા દિવસે રોડ શો કરી રહ્યા છે. ગઇકાલે રવિવારના દિવસે સુરતમાં ભવ્ય રોડ શો કર્યા બાદ રૂપાણી આજે અમદાવાદના નરોડામાં રોડ શોમાં જોડાયા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રૂપાણીએ કહ્યુ હતુ કે ભાજપ ૧૫૦થી વધુ સીટો જીતીને રહેશે. લોકો તેમના વિકાસને સમર્થન આપી રહ્યા છે. કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા નથી. તે લોકો પાસે જઇ શકતા નથી. રૂપાણી સવારે ખુલ્લી જીપમાં રોડ શોમાં નિકળ્યા હતા. લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રૂપાણીએ આ વખતે કહ્યું હતું કે, ભાજપ ૧૫૦થી પણ વધુ બેઠકો પાર કરી જશે અને શાનદાર જીત મેળવશે.  તેમણે દાવા સાથે કહ્યું હતું કે, રોડ શોમાં અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.  રોડ શો દરમિયાન અલગ અલગ જગ્યા પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઇકાલે રવિવારે પણ સુરતમાં રોડ શો યોજીને તમામને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા હતા. સુરતના સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી રોડ શોની શરૂઆત થઇ હતી. ત્યારબાદ રૂપાણીનો રોડ શો મહેશ્વરી ભવન, બેંક ઓફ બરોડા સર્કલ થઇને કેનાલ રોડથી ભટાર રોડ તરફ ગયો હતો. ભટાર રોડ પર આવેલા ફાયર સ્ટેશન પાસે રોડ શોની પૂર્ણાહૂતિ થઇ હતી.

 વિજય રૂપાણી અમદાવાદ શહેરમાં રોડ શો કરી રહ્યા છે. જેમાં નરોડા વિધાનસભા અને દાણીલીમડા વિધાનસભાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે.

(9:48 pm IST)