Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

૪૯ ટકામાં ફેરફારો વગર જ પાટીદારોને અનામતનું વચન

બિનઅનામત સુવર્ણ સમુદાય માટે જોગવાઈઃ ઢંઢેરામાં વચન પાલન-કટિબદ્ધતાને બિરદાવવામાં આવી

અમદાવાદ, તા. ૪, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ચૂંટણી ઢંઢેરા સમિતિના કન્વીનર દિપક બાબરીયાએ પાટીદારોની અનામતની માંગણીને લઇને પણ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મહત્વની જાહેરાત કરી હતી. કોંગ્રેસે વાયદા મુજબ પાટીદારોને અનામત આપવાના મુદ્દાને તેના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો છે. કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે, પછાત સમુદાયની હાલની ૪૯ની અનામતની જોગવાઇમાં કોઇ ફેરફાર કર્યા સિવાય કે તેમાં ઘટાડો કે તેને અસર ના થાય તે પ્રકારે કોંગ્રેસ પક્ષ બિન અનામત સવર્ણ સમુદાય માટે અનામતની જોગવાઇ કરવાના હેતુથી વિધાનસભામાં બીલ લાવશે. આ માટે બંધારણની કલમ-૪૬ હેઠળ અને કલમ ૩૧(સી)ની જોગવાઇઓને ધ્યાનમાં રાખીને અનામતની માંગણી પરિપૂર્તતા કરવા માટે કોંગ્રેસ નિષ્ઠાપૂર્વક પ્રતિબધ્ધતા દાખવશે. કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં લવાનારા આ સૂચિત બીલ અન્વયે, બંધારણની કલમ-૪૬ હેઠળ નિર્દિષ્ટ જાતિ-સમુદાય કે જેઓને કલમ ૧૫(૪) અને ૧૬(૪) હેઠળ શૈક્ષણિક અને આર્થિક લાભ મળતા નથી તેઓને એકસમાન ધોરણે આ લાભો ઉપલબ્ધ બનાવવા માટેની કાર્યવાહી કરાશે. ઓબીસી સમુદાયને સ્પેશ્યલ કેટેગરીમાં આ લાભો મળે છે. આ સમગ્ર મામલા માટે કોંગ્રેસની સરકાર રાજયભરમાંથી આવી જાતિ અને સમુદાયની ઓળખ અલગ તારવશે અને સંબંધિત તમામ લોકો સાથે તેની વિસ્તારપૂર્વક અને તમામ પાસાઓથી ચર્ચા વિચારણા હાથ ધર્યા બાદ એક કમીશનની રચના કરશે. કોંગ્રેસના નેતાઓએ એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, અગાઉ કોંગ્રેસે જે ઇબીસી કમીશનની રચના કરવાની જાહેરાત કરી હતી તે આયોગ અનામતના મુદ્દે રચાનારા નવા કમીશનને સમગ્ર મામલામાં મદદ પૂરી પાડશે અને સહાયભૂત થશે. આમ, કોંગ્રેસે પાટીદારોને આપેલા વચન પ્રમાણે અનામતની વાત ચૂંટણી ઢંઢેરામાં સમાવી તેનું પાલન કરી બતાવ્યું છે. બીજીબાજુ, કોંગ્રેસ દ્વારા અનામતને લઇ તેનું વચન પાળતાં પાટીદાર સમાજ અને પાસના નેતાઓમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. તેઓએ પણ કોંગ્રેસના વચનપાલન અને કટિબધ્ધતાને બિરદાવી હતી.

 

(9:08 pm IST)