Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

પત્રકારો માટે મીડિયા કલબ અને હાઉસીંગની સુવિધાઓ

ભાજપ શાસન વેળા ગેરરીતિમાં પણ તપાસનું વચનઃ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મામલામાં સીટ તથા પંચ નીમીને તપાસ કરવાની ખાતરી : પત્રકારો માટે નવી પહેલ કરાઈ

અમદાવાદ, તા. ૪, કોંગ્રેસ પાર્ટીએ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં પત્રકારોને સુવિધા આપવાની પણ વાત કરવામાં આવ છે. કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ વખત તમામ વર્ગને ખુશ કરવાના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસે સુજલામ સુફલામ યોજનામાં અને ભાજપના શાસનમાં જ્યાં પણ ગેરરીતિ થઇ છે તેમાં સીટ મારફતે અથવા તો પંચ નીમીને તપાસ કરવાનું પણ વચન આપ્યું છે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં ગુજરાતના તમામ પત્રકાર મિત્રો માટે ગુજરાત મીડિયા કલબની સ્થાપના કરવાની બહુ મહત્વની જાહેરાત કરી હતી. સાથે સાથે રાજયના તમામ પત્રકાર મિત્રો માટે હાઉસીંગની સુવિધા માટે ધિરાણની સહાય કરવાની પણ ખાતરી ઉચ્ચારી હતી. આ માટે કોર્પોરેટ સેકટર મારફતે વિશેષ ભંડોળ ઉભુ કરીને પત્રકારોને જરૂરી તમામ લાભ અને સુવિધા ઉપલબ્ધ કરાવવાની હૈયાધારણ પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આપી હતી. પત્રકારો માટે મીડિયા કલબ અને હાઉસીંગની સુવિધાની જાહેરાત થતાં જ ગુજરાત સહિત દેશભરના પત્રકાર આલમમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી. મીડિયાજગત અને પત્રકાર આલમે કોંગ્રેસના હકારાત્મક અભિગમને આવકાર્યો હતો અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ પણ પત્રકારો માટે તેમનો પક્ષ હરહંમેશ કટિબધ્ધ હોવાની તત્પરતા દાખવી હતી.

 

(9:08 pm IST)