Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મોડીરાત્રે ડીજે વગાડવાની બાબતે પેટલાદમાં યુવક પર હિંસક હુમલો: ત્રણ સામે ગુનો

પેટલાદ શહેરના સૈયદવાડા ખાતે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ડીજે વગાડવાની બાબતે ઠપકો આપતાં ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો કરીને માર માર્યો હતો. એકે હાથના ભાગે અસ્ત્રો મારી દેતાં સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ઈદે મિલાદનો તહેવાર હોય રાત્રીના સુમારે સૈયદવાડાને રોશનીથી શણગાર્યું હતુ અને કેટલાક યુવાનો ડીજેના તાલે ડીસ્કો કરી રહ્યા હતા. પોણા બે વાગ્યાના સુમારે તહેવાર નિમિત્તે બહેનના ઘરે ગયેલો ઉર્વેશઅલી શબ્બીરઅલી સૈયદ ત્યાં ગયો હતો અને ડીજે સાઉન્ડ બંધ કરવાનો સમય થઈ ગયો છે, જેથી બંધ કરી દો તેમ કહેતા જ સાહેદઅલી લીયાકતઅલી સૈયદ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લાત મારી દીધી હતી. 
મહોમદશકીલ હાફીઝઅલી સૈયદે ફેંટ મારી દીધી હતી જ્યારે સમીરઅલી ઉર્ફે ગફુર આરીફઅલી સૈયદ અસ્ત્રો લઈ આવ્યો હતો અને મારવા જતાં ઉર્વેશઅલીએ હાથ આગળ કરી દેતાં ડાબા હાથે ઈજાઓ થવા પામી હતી. ત્યારબાદ બૂમરાણ થતાં આસપાસના લોકો આવી ચઢ્યા હતા અને વધુ મારમાંથી છોડાવ્યો હતો. જતાંજતા આ ત્રણેયે આજે તો તુ બચી ગયો છે, પરંતુ હવે ફરી તને જીવતો નહીં મુકીએ તેવી ધમકી આપી હતી.

 

(7:12 pm IST)