Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

નકલી વીલ બનાવીને 27 કરોડની ઠગાઈ કરનાર બે આરોપીના કોર્ટે આગોતરા જમીન નામંજૂર કર્યા

વડોદરા: લાલબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડવાળી જગ્યાનું ખોટુ વીલ બનાવી તેના આધારે સરકાર પાસેથી ૨૭ કરોડ રૃપિયાનું વળતર મેળવી લઇ છેતરપિંડી કરવાના ગુનામાં સામેલ બે આરોપીઓની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

 આ અંગેની વિગત એવી છે કે, ગોત્રી યોગીનગર ટાઉનશીપમાં રહેતાં રાકેશ દેસાઇના મૃત પિતાનું વીલ આરોપી જયંતિ રામદાસ પટેલ (રહે. મલેકપુર તા.ખેરાલુ જિ. મહેસાણા) એ બનાવ્યું હતું. તેમાં રાકેશ દેસાઇના પિતાની ખોટી અને બનાવટી સહીઓ કરાવવામાં આવી હતી. તેમજ સાથીઓ તરીકે ૧. રામચંદ્ર થોભણદાસ પટેલ તથા ૨. ઇસ્માઇલ હુસૈન વલીયુદ્દીન સૈયદ દ્વારા સહીઓ કરાવવામાં આવી હતી. આ બનાવટી વીલના આધારે સરકાર પાસેથી વડીલો પાર્જીત મિલકતના મળવાપાત્ર વળતરની રકમ રૃપિયા ૮૦૦ કરોડ પૈકી ૨૭ કરોડ રૃપિયા મેળવી લેવામાં આવી હતી. અને આ વળતરની રકમ મેળવવા માટે આરોપીઓએ બનાવટી વીલ અલગ-અલગ સરકારી કચેરીઓમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગેની ફરિયાદ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ કેસમાં જયંતિ રામદાસ પટેલ અને સાક્ષી તરીકે સહી કરનાર રામચંદ્ર થોભનદાસ પટેલ (રહે. પાલી તા. ઉંઝા જિ. મહેસાણા) એ આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલ અતુલ વ્યાસની રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશ ડી.એસ. ત્રિવેદીએ બંન્ને આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.

 

(7:10 pm IST)