Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

વડોદરા: ચૂંટણીમાં ફરજ બજાવનાર હોમગાર્ડના જવાનોએ બેલેટ દ્વારા મતદાન કર્યું

વડોદરા: આગામી તા.9 અને 14 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે બંદોબસ્તમાં જતા પૂર્વે વડોદરા શહેર-જિલ્લાના 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડ જવાનોએ આજે પોષ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વહેલી સવાર થીજ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની બે તબક્કાની ચૂંટણીમાં વડોદરા શહેર-જિલ્લામાંથી પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવવા જનાર છે.

આ પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આજે પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોષ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રેલવે પોલીસ અને હોમગાર્ડના જવાનો શાંતિપૂર્વક મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા 10 બુથ ઉભા કરવામાં આવ્યા છે. આ 10 મતદાન બુથ ઉપરથી વડોદરા શહેરના 1544, વડોદરા રૂરલના 1200 અને 1810 જેટલા હોમગાર્ડ જવાનો મળી 4500 ઉપરાંત પોલીસ જવાનો મતદાન કરશે.સવારે 8 કલાકથી મતદાનની શરૂઆત થઇ હતી. 

સાંજે 5 કલાક સુધી પોલીસ જવાનો મતદાન કરશે. જે પોલીસ જવાનો મતદાન મથક સુધી પોહંચી શકે તેમ નથી. તેઓને પોલીસ મથકમાં પોષ્ટલ બેલેટ મોકરવામાં આવશે. તેઓ મતદાન કરીને પોષ્ટમાં પોતાનું બેલેટ મોકલશે. પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ ઉપર જતા પૂર્વે મતદાન મથક ઉપર પહોંચી ગયા હતા. મતદાન મથકો ઉપર પોલીસ અને હોમગાર્ડ જવાનોની શાંતિપૂર્ણ લાઇનો જોવા મળી હતી. પોલીસ ગણવેશમાં મતદાન કરવા માટે આવેલા પોલીસ જવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 

 

(7:09 pm IST)