Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

EVM: આક્ષેપોથી બચવા ECI દરેક સીટો પર મતોનું રેન્ડમ કાઉન્ટિંગ કરશે

લોકોનો વિશ્વાસ જીતવા કરાયો નિર્ણય

ગાંધીનગર તા. ૪ : EVM સાથે ચેડાં અને ગડબડના આક્ષેપોથી બચવા માટે ભારતીય ચૂંટણી પંચના કમિશનર એ કે જોતીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચ્સ્પ્ અને વોટર વેરિફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સ્લીપ્સની રેન્ડમ કાઉન્ટિંગ કરશે. ECI આ કામ માટે ૧૮૨ વિધાનસભા સીટો પરથી રેન્ડમ ડ્રો દ્વારા એક પોલિંગ સ્ટેશનની પસંદગી કરશે.

આ બાબતે મુખ્ય ચૂંટણી કમિશનર એ કે જોતીએ કહ્યું કે, 'EVM અને VVPAT પર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તેમાટે અમે દરેક વિધાનસભા સીટ પરથી એક પોલિંગ સ્ટેશનની VVPAT સ્લીપ્સની ગણતરી કરી તેની VVPAT કંટ્રોલ યુનિટ સાથે સરખામણી કરવાનો નિર્ણય લીધો છે.' આ પ્રક્રિયા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, 'જે તે વિધાનસભા સીટના તમામ ઉમેદવારોની હાજરીમાં ડ્રો દ્વારા આ પોલિંગ બૂથની પસંદગી કરવામાં આવશે.' તેમણે આ જ પ્રક્રિયા હિમાચલ પ્રદેશમાં પણ અનુસરાશે તેવી જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, 'ગોવા ચૂંટણીમાં થોડાક ઉમેદવારોએ વાંધો ઉઠાવતા ૪ પોલિંગ સ્ટેશન પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ પ્રયોગ દરમિયાન EVM અને VVPAT ડેટા ૧૦૦ ટકા સમાન નીકળ્યા હતા.'

સોશિયલ મીડિયા પર યુપીની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના વિજયને લઈને ચાલી રહેલા EVM વિવાદ અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે, 'સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જે તે રાજયના ચૂંટણી પંચ દ્વારા આયોજિત કરાય છે. તેઓ M1 પ્રકારના EVM યુઝ કરે છે જયારે અમે M2 અને એડવાન્સ પ્રકારના EVM યુઝ કરીએ છીએ.'

જોતીએ કહ્યું કે, 'રાજકીય પક્ષો દ્વારા મતદાતા દ્વારા કરાયેલ VVPAT દ્વારા મત અલગ પાર્ટીને ગયો હોવાનો આક્ષેપ ખોટો ઠરતા મતદાતાને દંડ કરવાના નિયમ અંગે વાંધો ઉઠાવાયો છે પરંતુ અમે તે અંગે પછીથી નિર્ણય લઈશું.' નોંધનીય છે કે રાજયમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે જોતી અને અન્ય ચૂંટણી કમિશનરો ગુજરાત આવ્યા હતા. તેમણે આ દરમિયાન બે દિવસ સુધી ડ્રિસ્ટિકટ ઈલેકશન ઓફિસર્સ, પોલીસ અધિકારીઓ અને રાજયના ટોચના અધિકારીઓ સાથે ચૂંટણી બાબતે ચર્ચા કરી હતી.

(2:05 pm IST)