Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કોંગી ઉમેદવારોને ૩૦-૩૦ પેટી ફંડ? ચેકથી ૨૦ લાખ અને ૧૦ નગદ અપાયાની ચર્ચા

ઉમેદવાર માટે ખર્ચ મર્યાદા ૨૮ લાખ, પક્ષ ગમે તેટલો ખર્ચ કરી શકે

અમદાવાદ તા. ૪ : ગુજરાત કોંગ્રેસે રવિવારે ઉમેદવારોની નાણાં ભીડ હળવી કરી છે. કોંગ્રેસે પહેલાં તબક્કાના ઉમેદવારોને ૩૦ લાખ રૂપિયા ચૂકવી આપ્યા છે. ૨૦ લાખ રૂપિયાનો ચેક તથા રોકડ ૧૦ લાખ આપવામાં આવ્યા છે. જોકે જે ઉમેદવાર આર્થિક રીતે સક્ષમ છે તેમને ફદિયું પણ આપવામાં આવ્યું નથી. મહત્ત્વનું છે કે, ઉમેદવારની ખર્ચ મર્યાદા ૨૮ લાખ છે, પરંતુ પાર્ટી પોતે ગમે તેટલો ખર્ચ કરી શકે છે.

કોંગ્રેસના સૂત્રો કહે છે કે, પાર્ટી ફંડ માટે ઉઘરાણું કરવામાં આવ્યું ન હોવાથી અત્યારે નાણાં ભીડ ચાલી રહી છે. હાઈકમાન્ડે માગ્યા મુજબ ફંડ આપ્યું નથી. પહેલાં તબક્કાના ઉમેદવારો અત્યાર સુધી જેમ તેમ કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, તેઓએ પક્ષ સમક્ષ જેમ બને તેમ જલ્દી ફંડ આપવા માગણી કરી હતી. આખરે રવિવારે પહેલા તબક્કાના ઉમેદવારોને ટેલિફોનથી જાણ કરવામાં આવી હતી કે, પાર્ટી ફંડનો ૨૦ લાખનો ચેક તૈયાર છે, અને ૧૦ લાખ રોકડ આપવામાં આવશે. એ પછી ઉમેદવારોએ તેમની નજીકને વ્યકિતને ફંડ લેવા પ્રદેશ કાર્યાલયે મોકલ્યા હતા, ફંડ લેવા માટે જે તે ઉમેદવારના ટેકેદારો શિસ્તબદ્ઘ રીતે કતારમાં ગોઠવાઈ ગયા હતા. આમ નાણાં ભીડ થોડીક હળવી થતાં મધ્યમવર્ગના ઉમેદવારોને રાહત થવા પામી છે. બીજી તરફ જે દાવેદારોએ ટિકિટ મેળવવા માટે ખૂબ ધમપછાડા કર્યા હતા અને આર્થિક રીતે સક્ષમ છે તેવા ઉમેદવારોને ફદિયું પણ આપવામાં આવ્યું નથી, દર વખતની જેમ કોંગ્રેસ પક્ષ ધનિક ઉમેદવારોને ફંડ પૂરું પાડવાની નથી, જેમને ફંડ મળવાનું નથી તેમને જાણ કરી દેવામાં આવી છે. કેટલીક બેઠકો એવી છે જયાં પાતળી સરસાઈથી કોંગ્રેસ જીતતી આવે છે ત્યાં કોંગ્રેસ પક્ષે ૩૦ લાખ કરતાં પણ વધુ નાણાં છૂટા કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મહત્ત્વનું છે કે, ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારોને રોકડ અને ચેક એમ કુલ મળીને ૨૪ લાખ ફંડ આપ્યું હતું.

રાહુલ ગાંધીની પાંચમીએ અંજાર, મોરબી, ધ્રાંગધ્રા, વઢવાણમાં જાહેરસભાઃ રાત્રી રોકાણ સુરેન્દ્રનગર

રાહુલ ગાંધી ૫ થી ૭ ડિસેમ્બરે ગુજરાત આવશે. પાંચમીએ બપોરે ૧ વાગ્યે અંજારમાં જનસભા યોજશે. બપોરે ૨.૨૦ વાગ્યે ચોપરમાં ગાંધીધામથી મોરબી રવાના થશે. મોરબીથી ધ્રાંગધ્રા જશે. સાંજે ૪.૪૫ વાગ્યે ધ્રાંગધ્રામાં સભાને સંબોધશે. બાદ ધ્રાંગધ્રાથી વઢવાણ જશે, સાંજે સાત વાગ્યે વઢવાણમાં સભા સંબોધશે. રાત્રી રોકાણ સુરેન્દ્રનગર ખાતે કરશે.

મનમોહનસિંઘ ૭મીએ રાજકોટઃ રાજબ્બર ખંભાળીયા, પોરબંદર, ભાવનગરઃ છઠ્ઠીએ સિંધીયા કોડીનાર - અમરેલી

પૂર્વ પીએમ ડો. મનમોહનસિંહ ૭મીએ રાજકોટ આવશે. ૪થીએ સચિન પાયલોટ અમદાવાદ, પાવીજેતપુર, ૫મીએ જ્યોતિરાદિત્ય સિંધીયા સુરત, રાજ બબ્બર ખંભાળિયા, પોરબંદર, ભાવનગર, સુસ્મિતા દેવ ડભોઇમાં. છઠ્ઠીએ સિંધીયા કોડીનાર, અમરેલી, મહુવા, તળાજા તો રાજ બબ્બર ભરૂચમાં પ્રચાર કરશે.

 

(5:13 pm IST)