Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

હારીજ એસટી ડેપોમાં બસનું ટાયર ફરી વળતા કાંકરેજના શીરવાડા ગામના યુવાનનું કરૂણમોત

ડ્રાઇવરને પૂછ્યા વગર ચાલુ બસે પરત ઉતરતા મિનિ બસના આગળના ટાયરમાં આવી જતા મોત

 

હારીજ એસટી ડેપોમાં પાટણ જતી ઉપડેલી મિનિ બસમાં ચડીને પાછો ઉતારવા જતાં પગ લપસતા પડી ગયો હતો. જે આગળના ટાયરમાં આવી જતાં ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. 108 મારફતે તેને હારીજ સરકારી રેફરલમાં લઇ ગયા બાદ સરકારી રેફરલની એમ્બ્યુલન્સમાં પાટણ લઈ જવાતાં રસ્તામાં મોત નીપજ્યું હતું. જેનું પીએમ પાટણ સરકારી રેફરલ ખાતે કરવામાં આવ્યું હતું.

પાટણ ડેપોની એસટીની મિનિ બસ નં.GJ18,Z5577 બેચરાજી પાટણ વાયા બીલીયા વાઘેલ હારીજથી જઈ રહી હતી. જે હારીજ ડેપોમાં સવારે 8.40 કલાકે આવી 8.45 કલાકે ઉપડી હતી ત્યારે અચાનક પાછળથી આવી કાંકરેજ તાલુકાના શીરવાણિયા ગામનો યુવાન સોની અશ્વિનભાઈ જમનાલાલ (45) ચાલુ બસે ચડી ગયો હતો અને ડ્રાઇવરને પૂછ્યા વગર ચાલુ બસે પરત ઉતરતા મિનિ બસના આગળના ટાયરમાં શરીરનો અડધો પગ બાજુનો ભાગ આવી જતા પગની સાથળ પર ટાયર ફરી વળ્યું હતું.

યુવાન પર બસનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે રક્ત વહ્યું હતું. અકસ્માતમાં યુવાન ગંભીર રીતે ઘાયલ થતા મુસાફરોએ 108ને ફોન કરીને બોલાવી હતી. 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઘાયલ યુવાનને સરકારી રેફરલ ખાતે લઈ ગઈ હતી. જ્યાં યુવાનની સ્થિતિ અતિ ગંભીર જણાતા રેફરલની એમ્બ્યુલન્સ મારફતે પાટણ ખસેડાયો હતો. જોકે અહીં પહોંચતા યુવાન મોતને ભેટ્યો હતો. યુવાનની ઓળખ થતા તેના કુટુંબીજનોને જાણ કરાતા પાટણ સિવિલ ખાતે પરિવારજનો દોડી ગયા હતા, ત્યાં તેનું પીએમ કરવામાં આવ્યું હતું.

(12:14 am IST)