Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દલિતોને મારવાના કેસમાં પગલા નહી લેવાઈ તો બંધ

આરોપીઓની ધરપકડ કરવાની ઉગ્ર માંગણી : સાબરમતી વિસ્તારમાં ટોલનાકા ચાર રસ્તા ઉપર આવેલા જોગી ઠાકોરના નોનવેજના તવા ખાતે દલિતો ઉપર હુમલો

અમદાવાદ,તા. ૪ : શહેરના સાબરમતી વિસ્તારમાં ગઇકાલે રાત્રે નોનવેજના તવાના માલિક અને તેમના માણસો દ્વારા જમવા આવેલા દલિત યુવકો પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવ્યા બાદ દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. દરમ્યાન આ સમગ્ર મામલે હવે અપક્ષ ધારાસભ્ય અને દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણી પણ હરકતમાં આવ્યા છે. મેવાણીએ લાલ આંખ કરી રૂપાણી સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો પીડિત દલિત યુવકોને ન્યાય નહી મળે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી ન્યાયિક કાર્યવાહી નહી થાય તો ગુજરાત બંધના એલાન સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ મેવાણીએ ઉચ્ચારી છે. શહેરના સાબરમતી વિસ્તારમાં ટોલનાકા ચાર રસ્તા પર આવેલ જોગી ઠાકોરના નોનવેજના તવા ખાતે ગઇ મોડી રાત્રે જમવા આવનાર જયેશ વાઘેલા, પ્રજ્ઞેશ પરમાર અને અન્ય યુવકને લાકડી, દંડા અને પાઇપ જેવા હથિયારોથી ઢોર માર મારવામાં આવ્યો હતો.

                તવાના માલિક જોગી ઠાકોર, મહેશ ઠાકોર અન્ય ત્રણ જણાં આ યુવકો પર તૂટી પડયા હતા અને તેઓને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર દલિત સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. હવે આ સમગ્ર પ્રકરણમાં દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણી ચિત્રમાં આવ્યા છે. મેવાણીએ ટ્વીટ કરતા લખ્યું કે, ગઈકાલે રાત્રે અમદાવાદમાં જે રીતે દલિત યુવાનો પર હિંસા કરવામાં આવી તેની નિંદા નહી પણ આક્રોશસહ આંદોલન કરવામાં આવશે. અત્રેથી હું ગુજરાતના મુખ્યમંત્રીને અલ્ટીમેટમ આપું છું જો સરકાર આરોપીઓની ધરપકડ કરી તેમને સજા નહી ફટકારે તો ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે. સભ્ય સમાજમાં કોઈપણ વ્યક્તિની જાહેરમાં પીટાઈ થવી એ કાનૂન વ્યવસ્થા માટે પણ કલંક સમાન છે.કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી ત્યારે હવે પોલીસે આ સમગ્ર કેસમાં નિષ્પક્ષ અને તટસ્થતાથી કાર્યવાહી કરવી જ રહી. દલિત સમાજ તરફથી પણ આ મામલે ઉગ્ર માંગ કરવામાં આવી છે.

(8:33 pm IST)