Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ભાજપમાં વોર્ડ-તાલુકા માટે ૪૫ અને શહેર-જિલ્લા માટે ૫૫ વર્ષ સુધીનાને જ પ્રમુખ પદ

નવુ નેતૃત્વ સર્જવાની નેમઃ ૧૫મી સુધીમાં સ્થાનિક કક્ષાએ પસંદગીઃ વયોવૃદ્ધો મોટાભાગે માર્ગદર્શકની ભૂમિકામાં: કોઈ એકમમાં સર્વાનુમતી ન થાય તો ત્યાંની સંગઠનની કાર્યવાહી પડતર રાખવાની સૂચના

રાજકોટ, તા. ૪ :. ગુજરાત ભાજપમાં સંગઠન સંરચના પ્રક્રિયા ચાલી રહી છે. તા. ૧૫ નવેમ્બર સુધીમાં તમામ વોર્ડ અને તાલુકા કક્ષાએ સંગઠનના પ્રમુખોની પસંદગી કરી લેવા માટે પાર્ટીએ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ વખતે આદર્શ વયમર્યાદા ઉડીને આંખે વળગે તેવી બાબત છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટી તળીયાથી ટોચ સુધી નવુ નેતૃત્વ ઉભુ કરવા માગે છે. વયોવૃદ્ધ આગેવાનોને માર્ગદર્શકની ભૂમિકામા રાખી યુવાનો અને પ્રોઢ અવસ્થાના કાર્યકરોને પ્રમુખ જેવી મહત્વની જવાબદારી સોંપવાનું વલણ અપનાવ્યુ છે. શહેર કક્ષાએ વોર્ડ માટે અને જિલ્લામાં તાલુકા કક્ષાએ પ્રમુખ પદ માટે ૪૫ વર્ષ સુધીની આદર્શ વયમર્યાદા રાખવા પાર્ટીએ સૂચવ્યુ છે. મહાનગર અને જિલ્લા કક્ષાએ પ્રમુખની પસંદગીમા આ વયમર્યાદા ૫૫ વર્ષની રહેશે. બન્ને કક્ષાએ પ્રમુખ પદ માટે આ વયમર્યાદાની અંદરની પસંદગી આવકાર્ય ગણવામાં આવી છે. ખાસ કિસ્સામાં જરૂર પડે તો ૪૫ અથવા ૫૫ વર્ષથી ઉપરના કાર્યકરને પણ પ્રમુખ બનાવી શકાશે. પાર્ટીએ નિયમ તરીકે જ નહી પરંતુ અભિગમ તરીકે અપનાવેલ હોવાથી મોટા ભાગના પ્રમુખ ૫૫ વર્ષની અંદરની ઉંમરના જ પસંદ થાય તેવા નિર્દેશ છે. રાજ્યમાં ૨૫૧ તાલુકાઓ, ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરો છે. પ્રદેશ પ્રમુખની વયમર્યાદા બાબતે કેન્દ્રીય નેતાગીરી માર્ગદર્શન આપશે. ૪૫ અને ૫૫ની વયમર્યાદાનો ચૂસ્ત અમલ થાય તો પ્રમુખ પદે યથાવત રહેવાની અથવા પ્રમુખ બનવાની અનેક કાર્યકરોની આશા નષ્ટ થઈ જશે. બીજી રીતે જોતા નવા ચહેરાઓને મહત્તમ તક મળશે.

તમામ કક્ષાએ સંગઠનની સંરચના એટલે કે સર્વાનુમતી કરવાની સૂચના છે. કદાચ કોઈ સ્થાને સર્વાનુમતી ન થઈ શકે તો તે વોર્ડ-તાલુકા કે જિલ્લાના પ્રમુખની પસંદગી બાકી રાખી પ્રદેશ પર નિર્ણય છોડવા જણાવાયુ છે. સંરચના માટેની બેઠક પૂર્વે સ્થાનિક પાર્ટી સંકલનની બેઠક થઈ જતી હોવાથી લગભગ તમામ સ્થાનો પર સર્વાનુમતે જ પસંદગી થાય તેવા સંજોગો છે.(૨-૯)

(1:07 pm IST)