Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ગુજરાતમાં 'વન નેશન, વન ચલન' સ્કીમનો અમદાવાદથી તૂર્તમાં પ્રારંભઃ જે.આર.મોથલીયા

કોઇ પણ રાજયની વ્યકિત અમદાવાદમાં આવી ટ્રાફીક નિયમનનો ભંગ કરશે તો તે દેશમાં જયાં વસતો હશે ત્યાં ઇ-મેમો પહોંચી જશેઃ અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર (ટ્રાફીક) સાથે અકિલાની વિશેષ વાતચીત : રાજકોટ-વડોદરા અને સુરત સહિતના મહત્વના શહેરોમાં આ યોજનાનો અમલ કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તડામાર તૈયારી

રાજકોટ, તા., ૪: નવા ટ્રાફિક નિયમો  અને ખાસ કરીને હેલ્મેટ સામે રાજયભરમાં લોકોનો રોષ છતા ટ્રાફિકના નવા નિયમોના પાલન માટે રાજય સરકાર કોઇ પણ ભોગે કડકાઇથી અમલ કરાવવા માંગતી હોય તેમ  હવે અમદાવાદ સહિત ગુજરાતના કોઇ પણ શહેરમાં દેશનું કોઇપણ વાહન નિયમ ભંગ કરશે તો સંબંધક વ્યકિત કે વ્યકિતઓને ઇ-મેમો તેના ઘેરે મળી જશે તેવી વિશેષ ટેકનોલોજીનો અમદાવાદથી પ્રારંભ થઇ રહયાની બાબતને  અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર(ટ્રાફિક) જે.આર. મોથલીયાએ અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે.

ઉકત બાબતે રાજકોટ-વડોદરા અને સુરતમાં પણ આવી ટેકનોલોજી વિકસાવવામાં આવશે તે બાબતને રાજકોટ પોલીસ કમિશ્નરેટ તંત્ર, વડોદરા પોલીસ કમિશ્નરેટ તંત્ર અને સુરત પોલીસ કમિશ્નરેટ તંત્રએ પણ સમર્થન આપ્યું છે. અત્રે યાદ રહે કે અમદાવાદમાં સીસીટીવી કેમેરાની મદદથી રાજયના અન્ય મહત્વના શહેરો માફક વિશેષ કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવી રહી છે. ટ્રાફિક નિયમોના ભંગ થયે તુર્ત જ ઇ-મેમો મોકલી આપવામાં આવે છે.

અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર  (ટ્રાફિક) જે.આર.મોથલીયાએ જણાવેલ કે  'વન નેશન, વન ચલન' યોજના અંતર્ગત અમદાવાદ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને દેશના અન્ય કંટ્રોલરૂમો સાથે જોડી દેવામાં આવશે. આના પરીણામે સમગ્ર દેશના તમામ વાહન ચાલકોનો ડેટા આવી જશે. તેથી કોઇ પણ શહેરના વાહન ચાલક દ્વારા અમદાવાદ  ટ્રાફિક નિયમોનું ભંગ થયે દેશના કોઇ પણ ખુણે વસતા લોકોને ઇ-મેમો મોકલાવી દેવામાં આવશે. ક્રમશઃ આ યોજના ગુજરાતના તમામ મોટા શહેરોમાં લાગુ કરવા પણ તડામાર તૈયારીઓ ચાલી રહયાનું સૂત્રો જણાવે છે.

(12:28 pm IST)